MI vs CSK: IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આમને-સામને હશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ચેન્નાઈની ટીમ હજુ પણ આઈપીએલ પ્લેઓફની રેસમાં છે. આ સ્થિતિમાં તેના માટે દરેક મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તે એક પણ મેચ હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે. જોકે, બાકીની તમામ મેચો જીત્યા બાદ પણ ચેન્નાઈએ પ્લેઓફમાં પહોંચવા માટે અન્ય મેચોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. આ બધાની વચ્ચે ચેન્નાઈ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે તેણે તેની બાકીની તમામ મેચો સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા વિના રમવી પડશે.
છેલ્લી મેચમાં શિવમ દુબેને જગ્યા મળીઃ
રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સની છેલ્લી મેચમાં પણ રમ્યો નહોતો. આ મેચમાં જાડેજાની જગ્યાએ શિવમ દુબેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપવામાં આવી હતી. જોકે શિવમ દુબે આ સિઝનની શરૂઆતની મેચોમાં જાડેજાની સાથે ચેન્નાઈની પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહ્યો છે. શિવમ દુબે સારી બેટિંગ કરે છે પરંતુ બોલિંગમાં તેનું પ્રદર્શન રવિન્દ્ર જાડેજાના સ્તરનું નથી. શિવમ દૂબે મધ્યમ ગતિએ બોલિંગ કરે છે જ્યારે જાડેજા સ્પિનર છે. જોકે, જાડેજા વિના રમાયેલી આ મેચમાં ચેન્નાઈએ દિલ્હી સામે 91 રને જંગી જીત મેળવી હતી.
મિચેલ સેન્ટનર જાડેજાનું સ્થાન લઈ શકેઃ
ન્યુઝીલેન્ડનો સ્પિનર મિચેલ સેન્ટનર જાડેજાની કમીને દૂર કરવા માટે યોગ્ય ખેલાડી છે. સેન્ટનર પણ શાનદાર સ્પિન બોલિંગ કરે છે સાથે જ તેણે ઘણી મેચોમાં જાડેજાની જેમ બેટિંગ કરીને પણ બતાવી છે. સેન્ટનર મોટા શોટ રમવામાં પણ માહિર છે. જોકે, ચેન્નાઈને પ્લેઈંગ ઈલેવનમાં સેન્ટનરને રમાડવાની જરૂર રહેશે નહીં કારણ કે, ચેન્નાઈની ટીમમાં જાડેજા વિના પણ મહિષ તિક્ષ્ણા અને મોઈન અલી જેવા સ્પિનરો છે, સાથે-સાથે મોઈન અલી બેટથી પણ કમાલ બતાવી શકે છે.
ચેન્નાઈ છેલ્લી મેચની પ્લેઈંગ ઈલેવનનું પુનરાવર્તન કરશે!
છેલ્લી મેચમાં જાડેજાની ગેરહાજરીમાં ચેન્નાઈના કેપ્ટન ધોનીએ અન્ય કોઈ ઓલરાઉન્ડરને સ્થાન આપ્યું ન હતું. તેણે પ્લેઈંગ ઈલેવનમાં શિવમ દુબેને ફરીથી સામેલ કરીને બેટિંગ લાઈન પર ભાર મુક્યો હતો. ધોનીએ તેના પાંચ બોલરો સાથે આખી ઓવર કરાવી હતી. પાંચમા બોલરની ભૂમિકા મોઈન અલીએ ભજવી હતી. ચેન્નાઈની આ વ્યુહરચના પણ સફળ રહી અને ટીમને 91 રનથી શાનદાર જીત મળી હતી. આ રીત આજે મુંબઈ સામેની મેચમાં ચેન્નાઈ પ્લેઈંગ ઈલેવનનું પુનરાવર્તન કરી શકે છે.