IPL 2022:  આઈપીએલમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈએ કોરોના સામે લડી રહેલી દિલ્હીની ટીમને 91 રનથી હરાવ્યું હતું. 209 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ માત્ર 117 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ચેન્નાઈ તરફથી મોઈન અલીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 13 રનમાં 3 વિકેટ લીધી હતી. આ સિઝનમાં ચેન્નાઈની આ ચોથી જીત છે.


દિલ્હીના બેટ્સમેન નિષ્ફળ રહ્યાઃ
209 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર ભરત 8 રન બનાવીને સિમરનજીતનો શિકાર બન્યો હતો. તેના આઉટ થયા બાદ ડેવિડ વોર્નર પણ ખાસ કરી શક્યો ન હતો અને 19 રન બનાવીને આઉટ થયો હતો.


36 રનમાં બે વિકેટ પડી ગયા બાદ માર્શ અને પંતે ઇનિંગ્સને સંભાળી અને સ્કોર આગળ વધાર્યો. બંનેએ સાથે મળીને 36 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન માર્શ 25 રન બનાવીને મોઈન અલીનો શિકાર બન્યો હતો. તેના આઉટ થયા બાદ પંત પણ 21 રન બનાવીને મોઈન અલીના બોલ પર આઉટ થયો હતો. પંતના આઉટ થયા બાદ રિપલ 6 અને અક્ષર 1 રન બનાવીને આઉટ થયો હતો. રોવમેન પોવેલ પણ દિલ્હી માટે આ મેચમાં ખાસ કરી શક્યો ન હતો અને 3 રન બનાવીને આઉટ થયો હતો. કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે ટીમની બાકી વધેલી ઓવર રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કુલદીપ પણ 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કુલદીપના આઉટ થયા બાદ બ્રાવોએ પોતાની બોલિંગનો જાદુ બતાવ્યો અને છેલ્લા બેટ્સમેનોને જલ્દી આઉટ કર્યા. તેની ખતરનાક બોલિંગના કારણે દિલ્હીની આખી ટીમ 17.4 ઓવરમાં 117 રનમાં સમેટાઈ ગઈ હતી.


ડેવોન કોનવેએ પોતાના દમ પર મોટો સ્કોર બનાવ્યો:
DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાયેલી IPL 2022ની 55મી મેચમાં ડેવોન કોનવે (87)ની બેટિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. ટીમ માટે ઋતુરાજ ગાયકવાડ અને કોનવેએ 67 બોલમાં 110 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી કરી હતી. દિલ્હી તરફથી એનરિક નોર્ટજેએ 3 વિકેટ ઝડપી હતી. આ સાથે ખલીલ અહેમદે 2 અને મિશેલ માર્શે 1 વિકેટ ઝડપી હતી.