IPL 2022, RCB vs CSK: આઈપીએલ 2022ની 22મી મેચમાં આરસીબી અને સીએસકેનો મુકાબલો થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ જીતીને ચેન્નાઈએ પોતાની જીતનું ખાતું ખોલાવ્યું હતું. સિઝનની સતત 4 મેચ હાર્યા બાદ ચેન્નાઈએ પ્રથમ જીત મેળવી હતી. ચેન્નાઈના બેટ્સમેન શિવમ દુબે (અણનમ 95) અને રોબિન ઉથપ્પા (88)ની ધમાકેદાર ઇનિંગ્સને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ IPL 2022ની 22મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 217 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા. ટીમ માટે ઉથપ્પા અને દુબે વચ્ચે 74 બોલમાં 165 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ 23 રનથી મેચ જીત્યું હતું.  આરસીબીની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 193 રન બનાવી શકી હતી. કેપ્ટન જાડેજાએ 3 તથા મહેશ તીક્ષણાએ 4 વિકેટ લીધી હતી.


ચેન્નાઈ સુપર કિંગ્સના 36 વર્ષીય ખેલાડી અંબાતી રાયડુએ એક આશ્ચર્યજનક કેચ પકડીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તેણે મંગળવારે આઈપીએલમાં આરસીબી સામે રમાયેલી મેચમાં આ કેચ પકડ્યો છે. આ કેચ માટે તેને સોશિયલ મીડિયા પર 'ઉડતા રાયડુ' નામ આપવામાં આવી રહ્યું છે.






રાયડુએ આરસીબીની ઇનિંગ્સની 16મી ઓવરમાં આ અસાધારણ કેચ લીધો હતો. રવિન્દ્ર જાડેજા બોલિંગ કરી રહ્યો હતો અને તેની સામે ક્રિઝ પર આકાશદીપ બેટિંગ કરી રહ્યો હતો. ઓવરના ચોથા બોલ પર આકાશદીપે સિંગલ મેળવવાના હેતુથી શોટ રમ્યો પરંતુ બોલ બેટ પર બરાબર ન આવી શક્યો અને થોડીવાર માટે બોલ હવામાં ઉછળી ગયો. રાયડુએ જોરદાર ઉત્સાહ સાથે હવામાં ડાઇવિંગ કરતી વખતે આ કેચ પકડ્યો હતો.




જ્યારે રાયડુએ આ કેચ લીધો ત્યારે તે પોતે પણ તેના પર વિશ્વાસ ન કરી શક્યો. તે આશ્ચર્યમાં હતો. રાયડુનો આ કેચ જોઈને ટીમના બાકીના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ કેચ બાદ તમામ ખેલાડીઓ મેદાન પર હસતા જોવા મળ્યા હતા.