GT vs LSG, Match Highlights: પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 57મી મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 62 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં ગુજરાતની આ 9મી જીત છે. આ સાથે જ હાર્દિક પંડ્યાની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય થઈ ગઈ છે. IPL 2022ની પ્લેઓફમાં પહોંચનારી ગુજરાત પ્રથમ ટીમ બની છે.


ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 13.5 ઓવરમાં માત્ર 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત માટે રાશિદ ખાન, યશ દયાલ અને આર. સાંઈ કિશોરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાશિદે ચાર વિકેટ લીધી હતી. તો યશ અને કિશોરે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે મહોમ્મદ શામીને 1 વિકેટ લેવામાં સફળતા મળી હતી.


ગુજરાત તરફથી મળેલા 145 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખઉની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ચોથી ઓવરમાં 19ના સ્કોર પર ક્વિન્ટન ડી કોક પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 10 બોલમાં 11 રન બનાવ્યા હતા. આ પછી શાનદાર ફોર્મમાં ચાલી રહેલ કેએલ રાહુલ પણ સાવ સસ્તામાં આઉટ થયો હતો. રાહુલ 16 બોલમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો.


24 રનમાં બે વિકેટ પડી ગયા પછી, દીપક હુડ્ડાએ એક બાજુથી ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિયમિત અંતરે બીજી બાજુથી વિકેટો પડતી રહી. ગુજરાત ટાઈટન્સની ઘાતક બોલિંગ સામે લખનઉના માત્ર 2 બેટ્સમેન ડબલ ફિગરમાં રન બનાવી શક્યા હતા. જેમાં આજની મેચથી ડેબ્યુ કરનાર કરણ શર્મા 04 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે કૃણાલ પંડ્યા 05, આયુષ બદોની 08, માર્કસ સ્ટોઇનિસ 02 અને જેસન હોલ્ડર 01 રને આઉટ થયા હતા. આ પછી મોહસીન ખાન 01 અને અવેશ ખાન 4 બોલમાં 2 સિક્સરની મદદથી 12 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ દુષ્મંત ચમીરા શૂન્ય રને અણનમ પરત ફર્યો હતો.