IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમના બંને ઓપનર રોહિત શર્મા અને ઈશાન કિશન શૂન્ય પર આઉટ થયા હતા. તેમને ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બોલર મુકેશ ચૌધરીએ આઉટ કર્યા હતા. તો ચાલો જાણીએ કોણ છે મુકેશ ચૌધરી.


મુકેશ ચૌધરી મહારાષ્ટ્ર માટે સ્થાનિક ક્રિકેટ રમે છે. આજ જ વર્ષે, મુકેશે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચ રમીને આઈપીએલમાં પોતાની શરૂઆત કરી છે. તે રાજસ્થાનના ભીલવાડા જિલ્લાનો વતની છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી આઈપીએલ મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુકેશ ચૌધરીને માત્ર 20 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.


મુકેશનું લગાતાર સારું પ્રદર્શનઃ
મુકેશ ચૌધરી 2017માં રેલ્વે સામે સ્થાનિક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે 2019માં લિસ્ટ A અને T20 ડેબ્યૂ કર્યું. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ CSKની નજર તેના પર ગઈ હતી. મુકેશે 2021 વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર માટે સૌથી વધુ વિકેટ લીધી હતી.


ચેન્નાઈનો નેટ બોલર હતો મુકેશઃ
મુકેશ ચૌધરી આ પહેલા પણ ચેન્નાઈ માટે નેટ બોલર રહી ચૂક્યો છે. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની તેની બોલિંગથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. જે બાદ ચેન્નાઈએ તેને આ સિઝનમાં ખરીદ્યો હતો. IPLમાં અત્યાર સુધી તેણે 6 મેચમાં 7 વિકેટ ઝડપી છે.


ચેન્નાઈ સામે શૂન્ય પર આઉટ થયેલા રોહિત શર્માના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
ચેન્નાઈ ટોસ હાર્યા બાદ મુંબઈએ પ્રથમ બેટિંગ શરૂ કરી હતી. ટીમનો ઓપનર અને કેપ્ટન રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર મુકેશ ચૌધરીના બોલ પર આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ તેનો પાર્ટનર ઈશાન કિશન પણ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહીં અને તે પણ શૂન્ય પર આઉટ થઈ ગયો. આ મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા બાદ રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.


રોહિત શર્મા IPLમાં સૌથી વધુ ડક્સ આઉટ થનાર ખેલાડી બની ગયો છે. રોહિત શર્મા IPLમાં 14મી વખત ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો છે. આ યાદીમાં તેના પછી રહાણે, પાર્થિવ, રાયડુ, મનદીપ, હરભજન અને પીયૂષ ચાવલા છે. આ ખેલાડીઓ IPLમાં 13 વખત શૂન્ય પર આઉટ થયા છે.