IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 26 માર્ચથી શરૂ થવા જઇ રહી છે. આ અગાઉ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને મોટો ઝટકો લાગ્યો છે. બંને ટીમના એક-એક સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ અને મોઈન અલી પ્રથમ મેચ રમી શકશે નહીં.


આ 15મી સિઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમ પોતાના અભિયાનની શરૂઆત દિલ્હી કેપિટલ્સ (DC) સામેની મેચથી કરશે. આ મેચ 27 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં થશે.


મોઈન અલીને વિઝા મળ્યા નથી


મોઈન અલી વિઝા સંબંધિત સમસ્યાઓના કારણે ચેન્નઈની ટીમ સાથે મોડેથી જોડાશે. ભારતીય હાઈ કમિશનની મંજૂરી મેળવવામાં તેને ઘણો સમય લાગ્યો હતો. મોઈન અલીને ચેન્નઇએ રિટેન કર્યો હતો. આ માટે મોઇન અલીને 8 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.  ચેન્નઈ ફ્રેન્ચાઈઝીના સીઈઓ કાશી વિશ્વનાથને જણાવ્યું કે મોઈન અલીએ 28 ફેબ્રુઆરીએ વિઝા માટે અરજી કરી હતી. ત્યારથી 20 દિવસથી વધુ સમય થઈ ગયો છે. જો કે, મોઇનને વિઝાની પરવાનગી મળી છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. ભારત આવ્યા બાદ મોઈનને એક અઠવાડિયા સુધી ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આવી સ્થિતિમાં તેની પ્રથમ મેચ રમવાની આશા પણ ઘણી ઓછી છે.


સૂર્યકુમાર ઈજાગ્રસ્ત


મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ અંગૂઠામાં ફ્રેક્ચરની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. ત્યારથી  તે બેંગ્લુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં ટ્રેનિંગ લઇ રહ્યો છે. જોકે, તેને હજુ સુધી NCAમાંથી રજા આપવામાં આવી નથી. સૂર્યકુમારે ઈજાના કારણે શ્રીલંકા સામેની T20 અને ટેસ્ટ શ્રેણીમાં ભાગ લીધો ન હતો. જોકે એવું માનવામાં આવે છે કે મુંબઈ ઈન્ડિયન્સની બીજી મેચ પહેલા સૂર્યકુમાર યાદવ ફિટ થઈ જશે. જે 2 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સાથે રમવાની છે. સૂર્યકુમારને મુંબઈની ટીમે 8 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.