IPL 2022, KKR vs SRH: આઈપીએલની 25મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને 7 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા KKRએ સનરાઇઝર્સને મેચ જીતવા 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં હૈદરાબાદની ટીમ 17.5 ઓવરમાં જ જીતી ગઈ હતી. KKR માટે નીતિશ રાણાએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 36 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે સિક્સર ફટકારી, જેનાથી ડગઆઉટમાં રાખેલા ફ્રિઝનો કાચ તૂટી ગયો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નીતિશ રાણાએ કરી ધમાકેદાર બેટિંગ
કોલકાતાની ટીમ ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવી હતી.આ દરમિયાન તેણે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. KKR તરફથી નીતિશ 5માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 36 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી 54 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન રાણાએ સિક્સર ફટકારી હતી. આથી ડગઆઉટમાં રાખેલા ફ્રિજનો કાચ તૂટી ગયો હતો. તૂટેલા કાચની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
IPL હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે કેટલા કરોડમાં ખરીદ્યો નીતિશ રાણાને ?
નીતિશે આ ટૂર્નામેન્ટમાં ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. જો કે આ સિઝનમાં અત્યાર સુધી તે માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો છે. તેણે IPL 2022માં રમાયેલી 6 મેચમાં 123 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે. IPL 2022ની હરાજીમાં KKR દ્વારા તેને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હરાજી દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ પણ તેને ખરીદવા માંગતી હતી. પરંતુ લખનૌએ રૂ. 7.75 કરોડ પછી બોલી ન લગાવી અને KKR જીતી ગયું.