IPL 2022ની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. KKRએ આ સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી. કોલકાતા તરફથી અજિંક્ય રહાણે અને સેમ બિલિંગ્સે મહત્વની ઇનિંગ્સ રમી હતી. ટીમ માટે રહાણેએ 44 રન બનાવ્યા હતા. ચેન્નાઈ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતા KKRએ 18.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી. તે જ સમયે, ડ્વેન બ્રાવોએ CSK માટે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી.


ચેન્નાઈ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતા KKRએ 18 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ઓપનર ખેલાડી અજિંક્ય રહાણેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. રહાણેએ 34 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા. જ્યારે વેંકટેશ અય્યર 16 રન બનાવીને આઉટ થયો હતો. નીતિશ રાણાએ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે 17 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા.


સેમ બિલિંગ્સ 25 રનની મહત્વની ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેણે 22 બોલનો સામનો કરી એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. કેપ્ટન શ્રેયસ અય્યર 20 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 19 બોલનો સામનો કરતી વખતે એક ચોગ્ગો ફટકાર્યો હતો.


ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ડ્વેન બ્રાવો અને મિશેલ સેન્ટનરે શાનદાર બોલિંગ કરી હતી. બ્રાવોએ 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે સેન્ટનરે 4 ઓવરમાં 31 રન આપીને એક વિકેટ લીધી હતી. જાડેજાએ 4 ઓવરમાં 25 રન આપ્યા હતા. તુષાર દેશપાંડે અને એડમ મિલ્નેને એક પણ વિકેટ મળી ન હતી.


આ પહેલા CSKએ મહેન્દ્ર સિંહ ધોનીની અણનમ અડધી સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા હતા. આ દરમિયાન ધોનીએ 38 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા. ધોનીએ 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. જ્યારે જાડેજાએ 28 બોલમાં 26 રન બનાવ્યા હતા. રોબિન ઉથપ્પાએ 28 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 21 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.