IPL 2022 ની 63મી મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાને લખનઉને 24 રને હરાવ્યું હતું. રાજસ્થાનની 13 મેચમાં આ આઠમી જીત છે. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. આ જીત બાદ રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું છે. સાથે લખનઉ ત્રીજા સ્થાને પહોંચ્યું છે.


લખનઉના બેટ્સમેનો નિષ્ફળ રહ્યાઃ
179 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી લખનઉની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમનો ઓપનર ડી કોક માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ આયુષ બડોની પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ખાતું ખોલાવ્યા વિના શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. 2 વિકેટ પડ્યા બાદ લખનઉના ચાહકોને આશા હતી કે રાહુલ મોટી ઇનિંગ્સ રમશે પરંતુ તે પણ 10 રન બનાવીને આઉટ થયો હતો.


ત્રણ વિકેટ પડ્યા બાદ દીપક અને કૃણાલ પંડ્યાએ ટીમની કમાન સંભાળી હતી. આ દરમિયાન બંનેએ ચોથી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી. હુડા અને પંડ્યાની આ ભાગીદારી ખતરો બને તે પહેલાં અશ્વિને આ ભાગીદારી તોડી હતી. અશ્વિને કૃણાલ પંડ્યાને 25 રન પર આઉટ કર્યો હતો. તેના આઉટ થયા બાદ દીપક હુડા અને માર્કસ સ્ટોઈનિસે ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. આ દરમિયાન હુડ્ડા 59 રન બનાવીને આઉટ થયો હતો. તેની પાછળ આવેલા હોલ્ડર્સ પણ 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પડતી વિકેટો વચ્ચે લખનઉની ટીમ પોતાની સ્થિતિ જાળવી શકી ન હતી.


રાજસ્થાને મજબૂત સ્કોર બનાવ્યોઃ
રાજસ્થાન રોયલ્સની શાનદાર બેટિંગના કારણે લખનઉ સુપર જાયન્ટ્સને 179 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ (41) અને દેવદત્ત પડિકલ (39) એ સૌથી વધુ રન બનાવ્યા હતા.