IPLની 15મી સિઝનની 49મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બંને ટીમો પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ટકરાશે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ મેચ જીતવી ખુબ જ મહત્વની છે. જો કે આ મેચમાં ચેન્નાઈ તેમની નબળી બોલિંગમાં સુધારો કરવો પડશે અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેમની ખરાબ બેટિંગમાં સુધારો કરવો પડશે.


કોહલીના પ્રદર્શનમાં સુધારોઃ
છેલ્લી મેચમાં વિરાટ કોહલીની અડધી સદી બાદ આ મેચ વધુ રોમાંચક બનશે. વિરાટ કોહલીએ ગુજરાત ટાઇટન્સ સામે 53 બોલમાં 58 રન બનાવ્યા હતા પરંતુ તેની ટીમ માત્ર 170 રન જ બનાવી શકી હતી. કોહલીએ દસ મેચમાં 186 રન બનાવ્યા છે અને ફાફ ડુ પ્લેસિસે નવ મેચમાં 278 રન બનાવ્યા છે. જોકે બંને તેમની તોફાની બેટિંગની રીધમમાં જોવા નથી મળ્યા. કોહલીએ 58 રન બનાવવા માટે લગભગ નવ ઓવર લીધી, જેના કારણે તેની ટીમ મોટા સ્કોરથી ચૂકી ગઈ. જો કે, દિનેશ કાર્તિક (દસ મેચમાં 218 રન) અને ગ્લેન મેક્સવેલ (સાત મેચમાં 157 રન) બનાવી ચુક્યા છે.


માહીનો જાદુ ફરી જોવા મળશેઃ
ચેન્નાઈના બોલરો વધુ સારું પ્રદર્શન કરી શક્યા નથી. ચેન્નાઈએ અત્યાર સુધી નવ મેચ રમી છે અને તેના કોઈપણ બોલરનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 7.50થી ઓછો નથી. મહેશ તિક્ષણાએ 7.54ની એવરેજથી બોલિંગ કરી છે જ્યારે ડ્વેન બ્રાવો અને મુકેશ ચૌધરીની એવરેજ અનુક્રમે 8.73 અને 9.82ની છે. રવિન્દ્ર જાડેજાએ પદ છોડ્યા પછી મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટનશીપમાં વાપસી કરી છે અને CSK એ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.જો કે ચેન્નાઈ જીતનો સિલસિલો જાળવી શકે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. 


બંને ટીમની સંભવિત પ્લેઈંગ-11
RCBની સંભવિત પ્લેઈંગ-11: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, મહિપાલ લોમરોર, વાનિન્દુ હસરાંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, હેઝલવુડ.


CSKની સંભવિત પ્લેઈંગ-11: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન, વિકેટકીપર), મિશેલ સેન્ટનર, ડ્વેન પ્રિટોરિયસ, સિમરજીત સિંહ, મુકેશ ચૌધરી, મહેશ તિક્ષણા.