IPL 2022: ગઈકાલે શનિવારે રાત્રે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હીની ટીમને 14 રને હરાવ્યું હતું. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીએ ટાર્ગેટનો પીછો કરવાનો નિર્ણય લીધો પણ તેઓ મેચ હારી ગયા હતા. આ IPL સિઝનમાં માત્ર ત્રીજી વખત છે જ્યારે ટાર્ગેટનો પીછો કરી રહેલી ટીમ હારી હોય.


દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે પોતાની ટીમની ખરાબ બેટિંગને આ હાર માટે જવાબદાર ગણાવી છે. મેચ બાદ તેણે કહ્યું, 'વિકેટને જોઈને લાગે છે કે લક્ષ્ય એટલું મોટું નહોતું. અમારે સારી બેટિંગ કરવી જોઈતી હતી. ખાસ કરીને મધ્ય ઓવરોમાં સારી બેટિંગની જરૂર હતી. અમે પાવરપ્લેમાં ત્રણ વિકેટ અને વચ્ચેની ઓવરોમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. આટલી વિકેટો ગુમાવ્યા બાદ કોઈપણ મેચ જીતવી મુશ્કેલ બની જાય છે.


આ મેચમાં પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ પહેલા આઈપીએલમાં રાત્રે રમાયેલી તમામ સાત મેચોમાં પ્રથમ બોલિંગ કરનાર ટીમનો વિજય થયો હતો. આવી સ્થિતિમાં પંતે આ મેચમાં પણ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. જોકે, પૂણેની આ પિચ મુંબઈની પિચ કરતાં અલગ હતી અને અહીં ઝાકળ કોઈ મોટું પરિબળ નહોતું. આવી સ્થિતિમાં પ્રથમ બેટિંગ કરનાર ગુજરાત ટાઇટન્સે જીત નોંધાવી હતી. આ વિશે જ્યારે પંતને પૂછવામાં આવ્યું કે શું તે આ પીચ પર આગામી મેચમાં પ્રથમ બોલિંગ કરવા ઈચ્છશે? તો આના પર તેણે જવાબ આપ્યો, 'તે હવામાન પર નિર્ભર રહેશે. આ ક્ષણે અમે આ વિશે વિચારી રહ્યા નથી. ફરી પૂણે આવીશું ત્યારે જોઈશું.


દિલ્હીને 172 રનનો ટાર્ગેટ મળ્યો હતોઃ
આ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા શુભમન ગીલના શાનદાર 84 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 171 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ ઋષભ પંત (43)ની ઇનિંગની મદદથી એક સમયે 4 વિકેટ ગુમાવીને 118 રન બનાવીને મજબૂત સ્થિતિમાં હતી. પરંતુ અહીં પંતની વિકેટ પડી અને પછી એક પછી એક બેટ્સમેનો પેવેલિયન ભેગા થવા લાગ્યા. દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવર સુધી માત્ર 157 રન જ બનાવી શકી હતી અને ગુજરાત ટાઇટન્સે 14 રને મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.