Abhinav Manohar Reaction: રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ગુજરાત ટાઈટન્સ સામે 55 રનથી હારી ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 208 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે 20 ઓવરમાં 7 વિકેટે 140 રન બનાવી શકી હતી. જોકે, નેહલ વાઢેરા અને કેમરૂન ગ્રીને મુંબઈ ઈન્ડિયન્સ માટે સારો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાકીના બેટ્સમેનોનો સાથ મળ્યો નહોતો. ગુજરાત ટાઇટન્સ માટે નૂર અહેમદ સૌથી સફળ બોલર રહ્યો હતો. આ ખેલાડીએ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય રાશિદ ખાન અને મોહિત શર્માને 2-2 સફળતા મળી હતી.






પ્લેયર ઓફ ધ મેચ અભિનવ મનોહરે શું કહ્યું?


પ્લેયર ઓફ ધ મેચ અભિનવ મનોહરે કહ્યું કે આ ટીમ માટે રમવું મારા માટે નસીબની વાત છે. હું નેટ્સમાં લાંબા સમય સુધી બેટિંગ કરવાનો પ્રયાસ કરું છું. હું ઘણી પ્રેક્ટિસ કરું છું, આ સિવાય મને મારી જાતમાં ઘણો વિશ્વાસ છે. જેનું ફળ મળી રહ્યું છે. તે મારા માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. જોકે, આ મેચમાં મારા પ્રદર્શનથી હું ઘણો સંતુષ્ટ છું.






આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 6 વિકેટે 207 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગિલે 34 બોલમાં 56 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સિવાય ડેવિડ મિલરે 46 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અભિનવ મનોહરે 21 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલ 2023 સીઝનમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. અત્યાર સુધી આ ટીમે 7 મેચ રમી છે, જેમાં 3માં જીત મળી છે, જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે સાતમા નંબર પર છે.