MS Dhoni Retirement Plan : મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કરતા ફરી એકવાર આઈપીએલનો ખિતાબ જીત્યો. ચેન્નાઈએ IPL 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને પાંચમી વખત ટાઇટલ જીત્યું હતું. ચેન્નાઈની જીત પહેલા ધોનીના સંન્યાસને લઈને અનેક પ્રકારની વાતો ચાલી રહી હતી. ધોનીએ ચેમ્પિયન બન્યા બાદ નિવૃત્તિ સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ આપ્યા હતા. તેણે કહ્યું કે તે અત્યારે નિવૃત્ત નહીં થાય. ધોનીએ આગામી સિઝનમાં તેની વાપસી અંગે પણ જવાબ આપ્યો હતો.



ધોનીએ નિવૃત્તિની અટકળોને ફગાવી દીધી છે. તેણે કહ્યું કે દર્શકોના પ્રેમને જોઈને તે આગામી સિઝનમાં તેમને ગિફ્ટ આપવા માટે ફરીથી રમશે. આ સિઝનની શરૂઆતથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ ધોનીની છેલ્લી સિઝન હશે. તેણે કહ્યું, “જો આપણે સંજોગો પર નજર કરીએ તો મારા માટે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. મારા માટે એ કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે જતો રહ્યો છું, પરંતુ આગામી નવ મહિના સુધી સખત મહેનત કરીને વધુ એક સિઝન રમીને પરત ફરવું મુશ્કેલ છે.

તેણે કહ્યું, “શરીરે સહકાર આપવો પડશે. ચેન્નાઈના પ્રશંસકોએ જે રીતે મારા પર પ્રેમ વરસાવ્યો છે, તે તેમના માટે મારી ભેટ હશે કે હું વધુ એક સિઝન રમું. તેઓએ જે પ્રેમ અને જુસ્સો બતાવ્યો છે, મારે પણ તેમના માટે કંઈક કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. આ સિઝનની ફાઇનલ મેચ રવિવારે (28 મે) રમવાની હતી. પરંતુ વરસાદને કારણે એક દિવસ લંબાવવામાં આવ્યો હતો. સોમવારે રમાયેલી મેચ પણ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઈને ડકવર્થ લુઈસ નિયમ સાથે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ચેન્નાઈએ 5 વિકેટે જીત મેળવી હતી. ચેન્નાઈની જીતમાં બેટ્સમેનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.


આ પણ વાંચોઃ


IPL 2023 Champion CSK: ધોનીએ જાડેજાને ઉંચકીને મનાવ્યો જશ્ન, ચેન્નઈ ચેમ્પિયન બન્યા બાદ વીડિયોમાં જુઓ ઈમોશનલ મોમેન્ટ


IPL 2023: ગુજરાત ટાઈટન્સની હાર પાછળ આ રહ્યા મોટા કારણ, આ રીતે બદલાઈ શકતું હતું પરિણામ