IPL 2023 Updated Points Table: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 18મી મેચ 13 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. મોહાલીમાં રમાયેલી આ રોમાંચક મેચમાં ગુજરાતે પંજાબ સામે એક બોલ બાકી રહેતા જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. ગુજરાતે જીત માટે 154 રનનો ટાર્ગેટ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. IPLની 16મી સીઝનમાં ગુજરાત ટાઇટન્સની આ ત્રીજી જીત હતી. આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સની સ્થિતિ સુધરી ગઈ છે.


ગુજરાત ટાઇટન્સ નંબર-3 પર


પંજાબ કિંગ્સ સામે 6 વિકેટથી મળેલી જીત બાદ ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. IPL 2023માં ગુજરાતે 4 મેચ રમી છે, જેમાંથી ત્રણમાં જીત અને એકમાં હાર થઈ છે. હાર્દિક પંડ્યાની ટીમ 6 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. IPL 2023માં ગુજરાતે જીત સાથે શરૂઆત કરી હતી. 31 માર્ચે રમાયેલી સીઝનની પ્રથમ  મેચમાં તેણે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. આ પછીની મેચમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે કચડી નાખ્યું હતું. જ્યારે તેને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અને ચોથી મેચમાં પંજાબ કિંગ્સનો 6 વિકેટે પરાજય થયો હતો.


રાજસ્થાન રોયલ્સ નંબર-1 પર યથાવત


આઈપીએલ 2023ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો રાજસ્થાન રોયલ્સની ટીમ નંબર વન પર છે. 16મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સે ચાર મેચ રમી છે જેમાં 3માં જીત અને એકમાં હાર થઈ છે. સંજુ સેમસનની ટીમ 6 પોઈન્ટ અને સારા નેટ રન રેટ સાથે નંબર વન પર છે. લખનઉ સુપર જાયન્ટ્સના પણ 4 મેચમાં 6 પોઈન્ટ છે અને તે બીજા નંબર પર છે. ગુજરાત ટાઇટન્સ 6 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 4 પોઈન્ટ સાથે ચોથા, ચેન્નઈ સુપર કિંગ્સ 4 પોઈન્ટ સાથે પાંચમા, પંજાબ કિંગ્સ 4 પોઈન્ટ સાથે છઠ્ઠા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2 પોઈન્ટ સાથે સાતમા, મુંબઈ ઈન્ડિયન્સ 2 પોઈન્ટ સાથે આઠમા અને સનરાઈઝર્સ હૈદરાબાદ 2 પોઈન્ટ સાથે નવમા નંબર પર છે. દિલ્હીની ટીમે હજુ જીતનું ખાતું ખોલાવ્યું નથી.


IPL 2023: રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગ્રીન જર્સીમાં જોવા મળશે RCB ના ખેલાડીઓ, જાણો કારણ?


RCB Green Jersey: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 સીઝનની શરૂઆત જીત સાથે કરી હતી. પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું, પરંતુ તે પછી ટીમને સતત 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કોલકાતા નાઈટ રાઈડર્સે હરાવ્યું હતું. આ પછી ત્રીજી મેચમાં કેએલ રાહુલની કેપ્ટનશીપમાં લખનઉ સુપર જાયન્ટ્સે છેલ્લા બોલ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતુ.