Virat Kohli Century SRH vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતનો હીરો હતો વિરાટ કોહલી રહ્યો હતો. વિરાટ કોહલીએ 63 બોલમાં 100 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મેચ જીતવા માટે 187 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ફાફ ડુ પ્લેસિસની ટીમે 19.2 ઓવરમાં 2 વિકેટે 187 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ મેચમાં કોહલીની સદી ઐતિહાસિક હતી. તેણે IPLમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ક્રિસ ગેઇલની બરાબરી કરી લીધી છે. આ બંને ખેલાડીઓએ 6-6 સદી ફટકારી છે.
વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે મેચને એકતરફી બનાવી
સનરાઇઝર્સ હૈદરાબાદના 186 રનના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત શાનદાર રહી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે પ્રથમ વિકેટ માટે 17.4 ઓવરમાં 172 રનની ભાગીદારી કરી હતી. જોકે, સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીને ભૂવનેશ્વર કુમારે આઉટ કર્યો હતો. વિરાટ કોહલીના આઉટ થયા પછી ફાફ ડુ પ્લેસિસ પણ ચાલતો રહ્યો હતો. ફાફ ડુ પ્લેસિસે 47 બોલમાં 71 રનની ઇનિંગ રમી હતી.
બેંગ્લોરને 187 રનનો ટાર્ગેટ મળ્યો હતો
અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હાર્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 186 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદના હેનરી ક્લાસને શાનદાર સદી ફટકારી હતી. હેનરી ક્લાસને 51 બોલમાં 104 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ સિવાય હેરી બ્રુકે 19 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, આ સિવાય સનરાઇઝર્સ હૈદરાબાદના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ઓપનર અભિષેક શર્માએ 11 જ્યારે રાહુલ ત્રિપાઠીએ 15 રન બનાવ્યા હતા.