Shikhar Dhawan: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 પહેલાં પંજાબ કિંગ્સની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મયંક અગ્રવાલના સ્થાને શિખર ધવનને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. ધવન એક અનુભવી ખેલાડી છે અને તે તાજેતરના સમયમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ પણ કરતો જોવા મળ્યો છે. ધવનને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર યોજાનારી વનડે સિરીઝ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલાં તેણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. ધવનને મયંક કરતાં વધુ કેપ્ટનશિપનો અનુભવ છે અને તે પંજાબ માટે સારો વિકલ્પ બની શકે છે.


શિખર ધવનને કેપ્ટન બનાવાયોઃ


ગત સિઝનમાં જ પંજાબે ધવનને કેપ્ટન બનાવવાનો મૂડ બનાવ્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ નિર્ણય બદલીને મયંકને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. મયંકની કપ્તાની હેઠળની ટીમનું પ્રદર્શન ગત સિઝનમાં સારું નહોતું અને તે ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયું હતું. હવે ધવનની કેપ્ટન્સીમાં પંજાબ નવી સિઝનમાં સારો દેખાવ કરવાનો પ્રયાસ કરશે.






ગત સિઝનમાં ધવનની બેટિંગ શાનદાર રહી


બેટિંગમાં પણ ધવન ગત સિઝનમાં મયંક કરતા વધુ સારો સાબિત થયો હતો. ધવને 14 મેચમાં 38.33ની એવરેજથી 460 રન બનાવ્યા અને પંજાબ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન ધવન હતો. ધવને આ દરમિયાન ત્રણ અડધી સદી ફટકારી હતી અને તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 88 રન હતો. મયંકે 12 ઇનિંગ્સમાં 16.33ની નબળી એવરેજથી માત્ર 196 રન બનાવ્યા હતા. મયંકના બેટમાંથી માત્ર એક અડધી સદી આવી હતી. ત્યારે હવે IPL 2023માં પંજાબ કિંગ્સની કમાન શિખર ધવનના હાથમાં રહેશે.


આઈપીએલ 2023 માટે ખેલાડીઓની મીની હરાજી યોજાશેઃ


ટીમ ઈન્ડિયા બાકીની ટીમો હાલમાં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમી રહી છે. તે જ સમયે, આઇપીએલ ટીમો મીની હરાજી પહેલાં ખેલાડીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, IPL મીની હરાજી 16 ડિસેમ્બરના રોજ થઈ શકે છે. જ્યારે IPL ટીમોને રિટેન કરાયેલા ખેલાડીઓની અંતિમ યાદી આપવાની છેલ્લી તારીખ 16 નવેમ્બર છે.