Dasun Shanaka: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હવે એક પછી એક ખેલાડીઓ ઇજાગ્રસ્ત થઇ રહ્યા છે, આ લિસ્ટમાં દિગ્ગજ કીવી ક્રિકેટર કેન વિલિયમસન ઇજાગ્રસ્ત થઇને આઇપીએલ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. જોકે, હવે ગુજરાત ટાઇટન્સે IPLની બાકી મેચો માટે ઇજાગ્રસ્ત કેન વિલિયમસનના રિસ્પેસમેન્ટનું એલાન કરી દીધુ છે. કેન વિલિયમસનના સ્થાને હવે ગુજરાતની ટીમમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાને પસંદ કરવામાં આવ્યો છે. આક્રમક મીડલ ઓર્ડર બેટ્સમેન શનાકાને રૂ. 50 લાખની બેઝ પ્રાઈઝમાં કરારબદ્ધ કરવામાં આવ્યો છે. તેને હરાજીમાં વેચવામાં આવ્યો ન હતો.


ઉલ્લેખનીય છે કે  31 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની પ્રથમ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે વિલિયમસન ઈજાગ્રસ્ત થયો હતો, અને હવે ગુજરાત ટાઇટન્સે ન્યૂઝીલેન્ડના કેન વિલિયમ્સનની જગ્યાએ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાનો ટીમમાં સમાવેશ કર્યો છે, શનાકાને પ્રથમ વખત આઈપીએલ કોન્ટ્રાક્ટ મળ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાતની બીજી મેચ બાદ શનાકા ટીમ સાથે જોડાશે.


9 સપ્ટેમ્બર 1991ના રોજ જન્મેલા દાસુન શનાકા એ જમણા હાથના વિસ્ફોટક ઓલરાઉન્ડર બેટ્સમેન છે. તે બેટ અને બૉલ બંનેથી મેચનું પાસુ પલટી શકે છે. તેણે શ્રીલંકા માટે 6 ટેસ્ટ, 50 વનડે, 86 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેની પાસે 65 ફર્સ્ટ ક્લાસ અને 140 લિસ્ટ-એ મેચોનો ખાસ્સો એવો અનુભવ પણ છે. 2015માં પાકિસ્તાન સામેની T20 મેચથી તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. 


ઇજાગ્રસ્ત કેન વિલિયમસને પોતાની ઇજા બાદ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'હું ગુજરાત ટાઇટન્સને બાકીની સિઝન માટે શુભેચ્છા પાઠવું છું. હું ઈચ્છું છું કે હું તમારી સાથે રમી શકું, પરંતુ તે બન્યું નહીં. હું ચાહકોના પ્રેમ અને સમર્થન માટે પણ આભાર માનું છું. જલ્દી સ્વસ્થ થવાની આશા.


ગુજરાતે રવિવારે (2 એપ્રિલ) સવારે સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું - અમને એ જાહેરાત કરતાં દુઃખ થાય છે કે કેન વિલિયમ્સન ચેન્નઈ સુપર કિંગ્સ સામેની સીઝનની પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ ટાટા IPL 2023માંથી બહાર થઈ ગયો છે. અમે અમારા ટાઇટનને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તે ટૂંક સમયમાં મેદાન પર પાછો ફરે.


આ રીતે થયો હતો કેન વિલિયમસન ઇજાગ્રસ્ત  - 
ગુજરાત અને ચેન્નાઇની મેચ દરમિયાન આ ઘટના મેચની ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ દરમિયાન 13મી ઓવરમાં ઘટી હતી. આ ઓવરમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડે એરિયલ શૉટ ફટકાર્યો હતો, જેના પર વિલિયમસને કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો. બાઉન્ડ્રી પર હવામાં કૂદકો મારવા છતાં વિલિયમસન કેચ તો ના લઈ શક્યો, પરંતુ ટીમ માટે અમુક રન ચોક્કસ બચાવ્યા. પરંતુ આ દરમિયાન વિલિયમસનના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેને તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની જગ્યાએ સાઈ સુદર્શનને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. સુદર્શન પણ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરતો હતો. હવે આ ઈજાના કારણે વિલિયમસન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.