Ajinkya Rahane: ભારતમાં અત્યારે ક્રિકેટનો મહાકુંભ ચાલી રહ્યો છે, આઇપીએલ 2023, આ વખતે આઇપીએલની 16મી સિઝન રમાઇ રહી છે, આ સિઝનમાં આ વખતે ધોનીની ટીમના ક્રિકેટર અજિંક્યે રહાણે ખુબ ચર્ચામાં છે. કેમ કે આઇપીએલમાં પોતાની રમતના કારણે હવે અજિંક્યે રહાણેએ ટીમ ઇન્ડિયામાં વાપસીનો દાવો ઠોક્યો છે. વાત એમ છે કે આઈપીએલ દ્વારા નવા ખેલાડીઓને માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની જ તક મળે છે, એવું નથી પણ જુના ખેલાડીઓ માટે વાપસીના દરવાજા પણ ખુલી જાય છે. IPL 16 દરમિયાન શાનદાર ફોર્મમાં રહેલો અજિંક્યે રહાણે ODI ટીમમાં વાપસી માટે દાવો ઠોકી દીધો છે, અને આગામી વનડે વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયામાં વાપસી પણ કરી શકે છે.
ખરેખરમાં, આ વર્ષના અંતમાં ભારતમાં આઇસીસી ODI વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. 2019ની જેમ આ વખતે પણ ટીમ ઈન્ડિયાની સામે નંબર ચારની પૉઝિશન એક મોટો પ્રશ્ન બની ગયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં શ્રેયસ અય્યરે ચોથા નંબર પર શાનદાર પ્રદર્શન કરીને પોતાનું સ્થાન નક્કી કર્યું હતું, પરંતુ અય્યર અત્યારે પીઠની સર્જરીના કારણે અવઢવમાં છે. આવામાં તે હવે આગામી વનડે વર્લ્ડકપ સુધી ફિટ થશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં.
માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ODI સીરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમારને ચોથા નંબર પર અજમાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેપ્ટન રોહિત શર્માનો આ દાવ એકદમ ફ્લૉપ સાબિત થયો હતો. સીરીઝની ત્રણેય મેચમાં સૂર્યકુમાર યાદવ ખાતું પણ ન હતો ખોલાવી શક્યો, એટલું જ નહીં સૂર્યકુમાર યાદવને અત્યાર સુધી 23 મેચ રમવાની તક મળી છે અને તેમાં તેને 24ની એવરેજથી માત્ર 433 રન જ બનાવ્યા છે. આવામાં સૂર્યકુમાર યાદવને ચોથા નંબરના રિપ્લેસમેન્ટ તરીકે જોઈ શકાય નહીં.
અજિંક્યે રહાણેની પાસે છે સારો અનુભવ
બીજીબાજુ અજિંક્યે રહાણેએ IPLની 16મી સિઝનમાં માત્ર રન જ નથી બનાવ્યા, પરંતુ તેની સ્ટ્રાઈક રેટ પણ શાનદાર બનાવી દીધી છે. IPLની 16મી સિઝનમાં રહાણે 52ની એવરેજ અને 199ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. રહાણેનું ફોર્મ તેને ચોથા નંબર માટે પ્રબળ દાવેદાર બનાવી રહ્યું છે. રહાણેને પણ વનડેમાં રમવાનો ઘણો અનુભવ છે.
જોકે રહાણેને છેલ્લે 2018માં ODI ટીમમાં રમવાની તક મળી હતી. રહાણેની ODI કારકિર્દીની વાત કરીએ તો, તેને 90 ODIની 87 ઇનિંગ્સમાં 35ની એવરેજ અને 79ની સ્ટ્રાઇક રેટથી 2962 રન બનાવ્યા છે. રહાણેએ વનડેમાં ત્રણ સદી અને 24 અડધી સદી ફટકારી છે.