IPL 2023, Virat Kohli: આજે આઇપીએલ 2023માં 43મી મેચ રમાશે, આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સે બેંગ્લૉરની ટીમ આમને સામને ટકરાશે. આ મેચ લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં લખનઉની ટીમ પોતાની જીતનો સિલસિલો ટકાવી રાખવા પ્રયાસ કરશે, તો વળી, સામે KKR સામેની હાર બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની આજે જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આજની મેચ બેંગ્લૉરના વિરાટ કોહલી માટે ખાસ બની રહેશે, કેમ કે આજે વિરાટ માટે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરવાનો દિવસે છે. આજની મેચમાં વિરાટ એક ખાસ રેકોર્ડ બનાવી શકે છે. આ માટે તેને માત્ર 43 રનની જ જરૂર છે. 


મોટા રેકોર્ડથી માત્ર 43 રન દુર છે વિરાટ - 
જો વિરાટ કોહલી આજે લખનઉ સામેની મેચમાં 43 રન બનાવી લે છે, તો તે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. તેને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 7000 રન પૂરા કરવા માટે 43 રનની જરૂર છે. વિરાટે આ લીગમાં અત્યાર સુધી કુલ 6957 રન બનાવી લીધા છે. જો વિરાટ 43 રન બનાવી લે છે, તો તે IPL ઈતિહાસમાં 7,000 રન પુરા કરનાર પ્રથમ બેટ્સમેન બની જશે. આમ પણ વિરાટના નામે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કાયમ છે. વિરાટે આઈપીએલમાં અત્યાર સુધી 5 સદી અને 49 અડધી સદી પણ ફટકારી છે.


જબરદસ્ત ફોર્મમાં છે વિરાટ કોહલી 
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં અત્યારે વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. વિરાટ આ વખતે લીગની 16મી સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટ્સમેનોમાં લિસ્ટમાં સામેલ છે. કિંગ કોહલીએ IPL 2023માં 8 મેચની તમામ ઇનિંગ્સમાં 333 રન બનાવી ચૂક્યો છે, અને એકવાર અણનમ રહ્યો છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કૉર અણનમ 82 રનોનો રહ્યો છે. IPLની આ સિઝનમાં વિરાટે 5 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેને 33 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા છે. તેનું આ શાનદાર પ્રદર્શન બતાવે છે કે, તે હાલમાં શાનદાર ફોર્મમાં છે.


આરસીબી માટે જીત જરૂરી - 
પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આજે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરને લખનઉ સુપર જાયન્ટ્સ સામે જીત જરૂરી છે. બેંગ્લૉરની ટીમે આ IPL 2023માં અત્યાર સુધી 8 મેચો રમી છે, જેમાં 4માં જીત અને 4માં હાર મળી છે. ફાફ ડુ પ્લેસીસની ટીમ 8 પૉઈન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે.