IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદને મોટો આંચકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર IPL 16ની આખી સીઝનમાંથી બહાર થઇ ગયો છે. આ જાણકારી સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ટ્વીટ કરીને આપવામાં આવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ટ્વિટર હેન્ડલ પરથી કહેવામાં આવ્યું છે કે હેમસ્ટ્રિંગની ઇજાને કારણે વોશિંગ્ટન સુંદર IPL 16ની બાકીની મેચો રમી શકશે નહીં. જો કે, હૈદરાબાદ દ્વારા સુંદરના બદલે કોઇ અન્ય ખેલાડીની જાહેરાત કરવામાં આવી નથી.






 


જોકે IPLની 16મી સીઝનમાં વોશિંગ્ટન સુંદર બોલિંગ અને બેટિંગમાં સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. સુંદરે IPL 16માં રમાયેલી 7 મેચોની પાંચ ઇનિંગ્સમાં 15ની એવરેજ અને 100ની સ્ટ્રાઇક રેટથી માત્ર 60 રન બનાવ્યા હતા. આ દરમિયાન સુંદરનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 24 રન હતો.


બોલિંગમાં સુંદરે આ સીઝનમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. સુંદરે આ સીઝનમાં 7 મેચમાં 17.4 ઓવર ફેંકીને માત્ર ત્રણ વિકેટ લીધી હતી. નોંધનીય છે કે સુંદરને એક જ મેચમાં ત્રણ વિકેટ મળી હતી, જ્યારે બાકીની 6 મેચમાં તે  કોઈ વિકેટ લઈ શક્યો નહોતો.


જો કે, વોશિંગ્ટન સુંદર બહાર થઇ જતા સનરાઈઝર્સ હૈદરાબાદને મિડલ ઓર્ડરમાં તેની ખોટ પડશે. એટલું જ નહીં જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ પિચો સ્પિનરો માટે વધુ મદદરૂપ થશે. આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદરની ગેરહાજરી હૈદરાબાદ માટે મોટો ફટકો છે.


નોંધનીય છે કે આ સીઝનમાં મોટા ખેલાડીઓ ખરીદ્યા છતાં સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદે અત્યાર સુધી રમાયેલી 7 મેચમાંથી માત્ર બે જ જીત મેળવી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ હાલમાં 4 પોઈન્ટ સાથે ટેબલમાં 9મા સ્થાને છે અને તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઘણી ઓછી છે.


IPL 2023: રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વિરુદ્ધ કોલકત્તાની જીતના હીરોએ તોડ્યો કોડ ઓફ કંડક્ટ, ચૂકવવી પડી ભારે કિંમત


IPL 2023: કોલકત્તા નાઇટ રાઇડર્સે બુધવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16ની મેચમાં RCBને 21 રને હાર આપી હતી. આરસીબી સામેની આ જીતનો હીરો સ્ટાર બેટ્સમેન જેસન રોય હતો. જો કે, મેચ દરમિયાન જેસન રોય તરફથી મોટી ભૂલ થઈ હતી અને તેને આઈપીએલની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. સજા તરીકે જેસન રોયની મેચ ફીમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.


IPL દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલિઝમાં જેસન રોય પર લાગેલા દંડ અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, "કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન જેસન રોયને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે." IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ આ દંડ લગાવવામાં આવ્યો છે.