IPL 2023: કોલકત્તા નાઇટ રાઇડર્સે બુધવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16ની મેચમાં RCBને 21 રને હાર આપી હતી. આરસીબી સામેની આ જીતનો હીરો સ્ટાર બેટ્સમેન જેસન રોય હતો. જો કે, મેચ દરમિયાન જેસન રોય તરફથી મોટી ભૂલ થઈ હતી અને તેને આઈપીએલની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. સજા તરીકે જેસન રોયની મેચ ફીમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.






IPL દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલિઝમાં જેસન રોય પર લાગેલા દંડ અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, "કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન જેસન રોયને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે." IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ આ દંડ લગાવવામાં આવ્યો છે.






વધુમાં કહેવામાં આવ્યું છે કે, "જેસન રોયને કલમ 2.2 હેઠળ લેવલ વન માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ ભૂલ માટે મેચ ફીના 10 ટકા સુધીનો દંડ ફટકારવામાં આવશે. મેચ રેફરીનો નિર્ણય અંતિમ છે.


કોલકત્તાનો થયો વિજય


જો કે આ પહેલા જેસન રોયે શાનદાર બેટિંગ કરતા KKRની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેસન રોયે 29 બોલમાં 56 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને આ ઇનિંગની મદદથી KKRએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 200 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરતા આરસીબીની ટીમ 20 ઓવરમાં માત્ર 179 રન જ બનાવી શકી હતી. IPL 16ની 8મી મેચમાં KKRની આ ત્રીજી જીત હતી. આ જીત સાથે KKR પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગઈ છે. એટલું જ નહીં KKRની પ્લેઓફમાં પહોંચવાની આશા પણ અકબંધ છે.


આ મેચ પર વિરાટ કોહલીએ શું કહ્યું?


આ હાર પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે અમે મેચમાં સારું રમ્યા નથી. અમે હાર ડિઝર્વ કરતા હતા. અમે વિપક્ષી ટીમને જીતવાની તક આપી હતી, અમારું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું. જો તમે મેચ પર નજર નાખશો તો તમે જોશો કે અમને મળેલી તકોનો અમે લાભ ઉઠાવી શક્યા નથી. અમે ઘણા કેચ છોડ્યા, જેના કારણે અમને વધુ 25-30 રનનો પીછો કરવો પડ્યો. આ સિવાય અમારા બેટ્સમેન સતત આઉટ થતા રહ્યા જેના કારણે અમે લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહીં. તેણે એમ પણ કહ્યું કે માત્ર એક સારી ભાગીદારી મેચનું પાસુ પલટી શકે છે પરંતુ એવું થયું નહીં