IPL 2024 Awards: કોલકાતા નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની ટ્રૉફી જીતી લીધી છે. KKRએ ફાઇનલમાં SRHને 8 વિકેટથી હરાવીને ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સિઝનમાં ઘણા નવા અને ઉભરતા ખેલાડીઓ સામે આવ્યા છે, કેટલાક યુવાનોએ રન બનાવીને તો કેટલાકે ઘણી વિકેટો લઈને ક્રિકેટ જગતમાં એક અલગ ઓળખ બનાવી છે. વિરાટ કોહલી, હર્ષલ પટેલ અને સુનિલ નારાયણ સહિત ઘણા ખેલાડીઓએ સિઝનમાં એવોર્ડ જીત્યા છે. તો ચાલો જાણીએ IPL 2024ના એવોર્ડ સમારોહમાં કયા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું છે.


વિજેતા ટીમને 20 કરોડ રૂપિયા મળ્યાઃ - 
કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024ની ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવીને ટ્રૉફી જીતી. KKRને ચેમ્પિયન બનવા માટે 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી છે.


રનર અપ ટીમને કેટલા રૂપિયા મળ્યાઃ - 
સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2024ની રનર અપ ટીમ હતી, જેને લીગ સ્ટેજ દરમિયાન ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. પેટ કમિન્સની કેપ્ટનશીપમાં રહેલી SRHને રનર્સ અપ માટે 12.5 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવ્યા છે.


ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન: - 
સનરાઇઝર્સ હૈદરાબાદના 21 વર્ષીય ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીને IPL 2024 નો ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ મળ્યો છે. રેડ્ડીએ આ સિઝનમાં 13 મેચમાં 33.67ની એવરેજથી 303 રન બનાવ્યા અને બોલિંગમાં 3 વિકેટ પણ લીધી. નીતિશે તેની પહેલી જ સિઝનમાં કેટલાય કમાલ કર્યા છે. આ માટે તેને 10 લાખ રૂપિયા મળ્યા છે.


સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન: - 
ધ સ્ટ્રાઈકર ઓફ ધ સિઝનનો એવોર્ડ 22 વર્ષીય દિલ્હી કેપિટલ્સના તોફાની બેટ્સમેન જેક ફ્રેઝર મેકગર્કને મળ્યો હતો. મેકગર્કે IPL 2024માં 9 મેચમાં 330 રન બનાવ્યા હતા. પરંતુ 234ના સ્ટ્રાઈક રેટ માટે તેને સ્ટ્રાઈકર ઓફ ધ સિઝનનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ માટે તેને 10 લાખ રૂપિયાની રકમ મળી છે.


ફેન્ટેસી પ્લેયર ઑફ ધ સિઝન: - 
ફેન્ટેસી પ્લેયર ઑફ ધ સિઝનનો પુરસ્કાર સુનીલ નારાયણને આપવામાં આવ્યો છે, જેના માટે તેને 10 લાખ રૂપિયા મળ્યા છે. ફેન્ટસી ક્રિકેટ રમતોમાં ભાગ લેતા યૂઝર્સ માટે સુનીલ નારાયણ સૌથી મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થયો. બોલ સિવાય નારાયણે આ સિઝનમાં બેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.


સિઝનની સુપર સિક્સ: - 
સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ IPL 2024માં સૌથી વધુ સિક્સ ફટકારી છે. અભિષેકે સિઝનમાં 42 સિક્સર ફટકારી હતી, જેના માટે તેને ફેન્ટેસી સુપર સિક્સ ઓફ ધ સિઝન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેથી તેને 10 લાખ રૂપિયાની રકમ મળી.


ઓન ધ ગો, ફોર્સ ઓફ ધ સિઝન: - 
સનરાઈઝર્સ હૈદરાબાદના ટ્રેવિસ હેડને સીઝનમાં સૌથી વધુ ચોગ્ગા મારવા બદલ ઓન ધ ગો ફોર્સ ઓફ ધ સીઝનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હેડે સિઝનમાં કુલ 64 ચોગ્ગા ફટકાર્યા, જેના માટે તેને 10 લાખ રૂપિયાની રકમ મળી.


કેચ ઓફ ધ સિઝન: - 
કેચ ઓફ ધ સીઝનનો એવોર્ડ KKRના રમનદીપ સિંહને મળ્યો. રમણદીપે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં અર્નિશ કુલકર્ણીનો આવો કેચ લીધો, જે તેની પહોંચની બહાર હોવા છતાં તેણે પકડ્યો.


મૉસ્ટ વેલ્યૂએબલ પ્લેયરઃ - 
સુનીલ નારાયણને IPL 2024માં મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર મળ્યો છે. નારાયમ સિઝનની શરૂઆતથી જ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. તેણે બેટથી 488 રન બનાવ્યા અને બોલિંગમાં 17 વિકેટ લીધી. આ પ્રદર્શને નારાયણને સિઝનનો સૌથી વેલ્યૂએબલ પ્લેયર બનાવ્યો. આ માટે તેને 10 લાખ રૂપિયા અને ટ્રૉફી પણ મળી હતી.


ઓરેન્જ કેપઃ - 
વિરાટ કોહલીએ ઓરેન્જ કેપ જીતી છે, જેના માટે તેને ઓરેન્જ કેપ અને 10 લાખ રૂપિયાની રકમ મળી છે. કોહલીએ IPL 2024માં 15 મેચમાં 61.75ની એવરેજથી 741 રન બનાવ્યા હતા.


પર્પલ કેપ: - 
હર્ષલ પટેલને સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવા બદલ પર્પલ કેપ અને 10 લાખની રકમ મળી હતી. પંજાબ કિંગ્સ તરફથી રમતા હર્ષલે 14 મેચમાં 24 વિકેટ લીધી હતી.