IPL 2024 SRH vs KKR Final: ગઇ રાત્રે આઇપીએલ 2024ની ફાઇનલ મેચ ચેપૉકના સ્ટેડિયમમાં રમાઇ હતી, જેમાં કેકેઆર ફાઇનલ જીતીને ત્રીજીવાર ચેમ્પિયન બની હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો. તેને IPL 2024ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. હૈદરાબાદની હારનું કારણ તેના પોતાના ખેલાડીઓ છે. ટીમની એક ભૂલે KKRને ચેમ્પિયન બનાવી દીધું. ફાઈનલ મેચ ચેન્નાઈમાં રમાઈ હતી. અહીં હૈદરાબાદની બેટિંગ લાઇનઅપના ધજાગરા ઉડી ગયા હતા. હૈદરાબાદના બેટ્સમેનો ખરાબ રીતે ફ્લૉપ રહ્યા હતા. આ જ કારણ હતું કે કોલકાતાએ આસાનીથી જીત મેળવીને ટાઈટલ જીતી લીધું હતું.


ખાસ વાત છે કે, બેટિંગ કે બૉલિંગ નહીં પરંતુ ટૉસ જ હૈદરાબાદની હારનું કારણ બન્યુ છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરવું હૈદરાબાદ માટે હારનું સૌથી મોટુ કારણ બન્યુ હતુ. હૈદરાબાદે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન પેટ કમિન્સનો આ નિર્ણય ટીમ માટે મોંઘો સાબિત થયો. આ ભૂલ ભરેલા નિર્ણયના કારણે હૈદરાબાદે કોલકાતાને ચેમ્પિયન બનાવી દીધુ હતુ. હૈદરાબાદની ટીમ 18.3 ઓવરમાં 113 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ ઓપનિંગ માટે આવ્યા હતા. હેડ શૂન્ય પર આઉટ થયો હતો. અભિષેક 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલ ત્રિપાઠી માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. માર્કરમ 20 રન અને નીતિશ રેડ્ડી 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેન માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો.


હૈદરાબાદની હારનું સૌથી મોટું કારણ તેની ફ્લૉપ બેટિંગ હતી. અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન અને ટ્રેવિસ હેડે ઘણી મેચોમાં ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ આ ખેલાડીઓ ફાઇનલમાં ચાલ્યા નહીં, જેના કારણે KKRને આસાન જીત મળી હતી. KKRએ હૈદરાબાદે આપેલો ટાર્ગેટ 10.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.


KKR IPL 2024 ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. તેણે પ્રથમ ક્વૉલિફાયરમાં હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઈનલ મેચ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ છે કે છેલ્લી 7 સિઝનમાં પ્રથમ ક્વૉલિફાયર જીતીને ફાઇનલમાં પહોંચેલી ટીમ જ ટાઈટલ જીતી શકી છે. IPL 2024 પહેલા સતત 6  વખત આવું બન્યું છે. હવે આ ચમત્કાર સતત સાતમી વખત થયો છે.