IPL 2024, RCB vs CSK:  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન દિનેશ કાર્તિકે 26 બોલમાં 38 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પરંતુ આ મેચ બાદ દિનેશ કાર્તિકે IPLમાંથી નિવૃત્તિ અંગે મોટા સંકેત આપ્યા હતા. ત્યારથી દિનેશ કાર્તિકની નિવૃત્તિ અંગે સતત અટકળો ચાલી રહી છે.


'હું ચેપોકમાં પ્લેઓફ રમવા પાછા આવવાની આશા રાખું છું, પણ...'


દિનેશ કાર્તિકને પૂછવામાં આવ્યું કે શું તે છેલ્લી વખત ચેપોકના મેદાન પર રમ્યો હતો? આ પ્રશ્નના જવાબમાં દિનેશ કાર્તિકે કહ્યું કે મને આશા છે કે ચેપોકમાં ફરી પ્લેઓફ રમવા આવીશ, પરંતુ જો એવું નહીં થાય તો આ મેદાન પર આ મારી છેલ્લી આઈપીએલ મેચ હશે. આ વિકેટકીપર બેટ્સમેને સ્પષ્ટ કર્યું કે જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ જશે તો પછી તેને ચેપોકમાં રમવાની તક નહીં મળે. પરંતુ જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પહોંચશે તો હું ચેપોકમાં રમતા જોવા મળીશ.


ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું


શુક્રવારે IPL 2024ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 6 વિકેટે 173 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે અનુજ રાવતે 25 બોલમાં સૌથી વધુ 48 રન બનાવ્યા હતા. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી મુસ્તફિઝુરે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રચિન રવિન્દ્રએ 15 બોલમાં સૌથી વધુ 37 રનનું યોગદાન આપ્યું હતું.


ચેપોકમાં રમાયેલીમેચમાં RCBએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે તેમને શાનદાર શરૂઆત અપાવી, પરંતુ ધીમે-ધીમે ટીમે વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું, જેમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ સામેલ હતો. કોહલીએ કેચ દ્વારા પોતાની વિકેટ ગુમાવી હતી. કોહલીનો કેચ એક નહીં પરંતુ બે ચેન્નાઈના ખેલાડીઓએ પકડ્યો હતો. લેગ સાઇડમાં, ચેન્નાઈના અજિંક્ય રહાણેએ પોતાની સમજથી આરસીબીના વિરાટ કોહલીને પેવેલિયનમાં મોકલવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. રહાણેની સાથે રચિન રવીંદ્રએ કેચ પકડવામાં સાથ આપ્યો હતો. કોહલીના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.