IPL 2024, Rajasthan Royals News: આઈપીએલ (IPL 2024) ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) માટે માઠા સમાચાર છે. ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન જોસ બટલરે (Jos Buttler) ટીમને મોટો ઝટકો આપ્યો છે. સમાચાર આવી રહ્યા છે કે બટલર IPL 2024માં રાજસ્થાન માટે બાકીની મેચો નહીં રમે. ટૂંક સમયમાં જ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 T20 મેચોની શ્રેણી શરૂ થવા જઈ રહી છે, જેમાં રમવા માટે બટલરે આઈપીએલ 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 22 મેથી 30 મે સુધી 4 ટી-20 મેચો રમાવાની છે. તે પછી T20 વર્લ્ડ કપ શરૂ થશે, જેમાં બટલર ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
રાજસ્થાને વીડિયો જાહેર કર્યો છે
રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીએ તેના ઓફિશિયલ 'X' એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોસ બટલર હોટલમાંથી બહાર નીકળતો જોવા મળે છે. તેણે તેના સાથી ખેલાડીઓને ગળે લગાવ્યા અને કારમાં બેઠા પછી તેણે રાજસ્થાન રોયલ્સને ટ્રોફી જીતવા માટે શુભેચ્છા પાઠવી. બટલરની વિદાયનો આ વીડિયો પણ ઈમોશનલ છે કારણ કે બેકગ્રાઉન્ડમાં 'મૈનુ વિદા કરો' ગીત વાગી રહ્યું છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે દરેક જોસ ભાઈને ખૂબ જ મિસ કરશે.
જોસ બટલરનો આઈપીએલમાં કેવો છે દેખાવ
જોસ બટલરે ચાલુ સીઝનમાં આઈપીએલની 11 મેચ રમી છે. જેમાં તેણે 359 રન બનાવ્યા છે. તેણે બે સદી ફટકારી છે. તેણે 36 ફોર અને 12 ગગનચુંબી છગ્ગા માર્યા છે.
અન્ય ઘણા ખેલાડીઓ પણ ઈંગ્લેન્ડ પરત ફરી શકે છે
પાકિસ્તાન સામેની શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમમાં મોઈન અલી, જોની બેરસ્ટો, સેમ કુરાન, વિલ જેક્સ, ફિલ સોલ્ટ અને રીસ ટોપલીનો પણ સમાવેશ થાય છે. તેથી, આ ખેલાડીઓ પણ આ સપ્તાહના અંત સુધીમાં ઇંગ્લેન્ડ પરત ફરી શકે છે. બેયરસ્ટો અને કુરન હાલમાં પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યા છે, પરંતુ તેમની ટીમ પ્લેઓફની રેસમાંથી પહેલાથી જ બહાર છે. બીજી તરફ, વિલ જેક્સ અને રીસ ટોપલી RCBની પ્લેઓફની આશાઓને ફટકો આપી શકે છે. ફિલ સોલ્ટ અને મોઈન અલી છેલ્લી મેચોમાં અનુક્રમે KKR અને CSK માટે સારું પ્રદર્શન કરી રહ્યા છે.
IPL પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની શું છે સ્થિતિ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના પોઇન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ બીજા ક્રમે છે. રાજસ્થાનના 12 મેચમાં 8 જીત અને 4 હાર સાથે 16 પોઇન્ટ છે.