IPL 2024 playoffs: ઈન્ડિયન પ્રીમિયર લીગની તમામ લીગ મેચો સમાપ્ત થઈ ગઈ છે. પ્લેઓફની રેસ પણ પૂરી થઈ ગઈ છે અને ચાર ટીમોના નામ જાહેર થઈ ગયા છે. રવિવાર, 19 મેના રોજ, સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને હરાવ્યું હતું જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. કોલકાતા, હૈદરાબાદ, રાજસ્થાન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમોએ પ્લેઓફમાં સ્થાન મેળવ્યુ છે.






70 લીગ મેચો બાદ હવે પ્લેઓફ માટે ચાર ટીમો સામે આવી છે. કોલકાતા અને હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા સ્થાને છે. રાજસ્થાન ત્રીજા ક્રમે જ્યારે બેંગલુરુ ચોથા ક્રમે છે. પ્લેઓફ મેચોની વાત કરીએ તો પ્રથમ અને બીજી ટીમો વચ્ચે ક્વોલિફાયર રમાશે. વિજેતા ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. હારનાર ટીમને વધુ એક તક મળશે. તે ત્રીજા અને ચોથા ક્રમની ટીમ વચ્ચેની મેચના વિજેતા સાથે રમીને ફાઇનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે.


પ્લેઓફનો કાર્યક્રમ


પ્લેઓફમાં ત્રણ મેચ રમવાની છે, ત્યારબાદ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ રમાશે. એક ક્વોલિફાયર અને બે એલિમિનેટર મેચો હશે. 21મીએ હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે ક્વોલિફાયર રમાશે. પ્રથમ એલિમિનેટરમાં રાજસ્થાન અને બેંગલુરુ રમશે. અહીં વિજેતા ટીમ કોલકાતા અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં જે પણ ટીમ હારશે તેની સામે રમશે.


જો પ્લેઓફ વરસાદથી ધોવાઈ જશે તો શું થશે?


હવે સવાલ વરસાદનો છે. તેથી જો મેચ દરમિયાન વરસાદ પડે તો ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચ કરાવવાના પ્રયાસો કરવામાં આવશે. જો આ શક્ય ન બને તો સુપર ઓવરથી મેચનું પરિણામ હાંસલ કરવાના પ્રયાસો કરવામાં આવશે. જો વરસાદના કારણે આખી મેચ ધોવાઈ જાય છે તો રદ્દ થવાના કિસ્સામાં પોઈન્ટ ટેબલ પરના રેન્કિંગના આધારે નિર્ણય લેવામાં આવશે. જેની સ્થિતિ સારી હશે તે ટીમ આગળ વધશે.