IPL 2025: ઇન્ડિયન પ્રિમિયર લીગ ( IPL 2025) 2025ના મેગા ઓક્શન પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે એક મોટી જાહેરાત કરી છે. તેમણે શનિવારે કહ્યું હતું કે ટીમમાં સામેલ ખેલાડીઓને મેચ ફી તરીકે પ્રતિ મેચ 7.5 લાખ રૂપિયા મળશે. તમામ લીગ મેચ રમનારા ખેલાડીઓને તેમના કરારની રકમ ઉપરાંત 1.05 કરોડ રૂપિયા મળશે.
શાહે લખ્યું હતું કે IPLમાં સાતત્ય અને ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઉજવણી કરવા માટે એક ઐતિહાસિક પગલું ભરતાં અમે અમારા ક્રિકેટરો માટે 7.5 લાખ રૂપિયા પ્રતિ મેચની મેચ ફી શરૂ કરતા આનંદ અનુભવીએ છીએ. એક સીઝનમાં તમામ લીગ મેચો રમનાર ક્રિકેટરને તેના કરારની રકમ ઉપરાંત 1.05 કરોડ રૂપિયા મળશે. દરેક ફ્રેન્ચાઇઝી સીઝન માટે મેચ ફી તરીકે 12.60 કરોડ રૂપિયા ફાળવશે. આઈપીએલ અને અમારા ખેલાડીઓ માટે આ નવો યુગ છે.
એવી અટકળો છે કે BCCIની વાર્ષિક બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવશે. નોંધનીય છે કે જૂલાઈમાં બીસીસીઆઈના અધિકારીઓએ આઈપીએલ ટીમના માલિકો સાથે બેઠક કરી હતી. તે બેઠકમાં ઘણા ટીમ માલિકોએ રીટેન્શન પોલિસી અને ટીમ પર્સ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ કારણોસર હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે IPL 2025ની મેગા ઓક્શનમાં દરેક ટીમને ઓછામાં ઓછા 5 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
નોંધનીય છે કે આઇપીએલની શરૂઆત 2008માં થઈ હતી અને ત્યારથી લઈને વર્ષ 2024 સુધી ખેલાડીઓને તેટલી જ રકમ આપવામાં આવતી હતી જેના માટે તેમને કરાર કરવામાં આવ્યા હતા. આ માટે ખેલાડીઓને અલગથી મેચ ફી આપવામાં આવી ન હતી, પરંતુ આ જાહેરાત બાદ IPLમાં રમનારા ખેલાડીઓને તેમની કરારની રકમ ઉપરાંત મેચ ફી પણ આપવામાં આવશે. જે ખેલાડીઓને ઓછી રકમે ખરીદવામાં આવે છે તેમના માટે આ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. એટલું જ નહીં, આ લીગ પ્રત્યે ખેલાડીઓમાં વધુ ઉત્સાહ વધારશે.