IPL ઓક્શન 2024: IPL 2024 માટેની હરાજી 19 ડિસેમ્બર મંગળવારના રોજ દુબઈમાં યોજાવાની છે, જેમાં કુલ 333 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. પરંતુ તે પહેલા જ ત્રણ ખેલાડીઓએ હરાજીમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા છે. અચાનક ત્રણેય ખેલાડીઓના નામ પાછા ખેંચી લેવા એ થોડી ચોંકાવનારી વાત છે. જે ત્રણ ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેંચ્યા છે તેમાં ઈંગ્લેન્ડના રેહાન અહેમદ અને બાંગ્લાદેશના તસ્કીન અહેમદ અને શોરીફુલ ઈસ્લામનો સમાવેશ થાય છે.
રેહાન અહેમદ
ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન સામે 22 થી 30 માર્ચ સુધી ઘરઆંગણે ટી20 શ્રેણી રમશે. જો કે આ પછી પણ ઇંગ્લેન્ડના ઘણા ખેલાડીઓ IPL માટે ઉપલબ્ધ થશે પરંતુ રેહાને પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. રેહાન અહેમદ જાન્યુઆરી 2024માં ભારત સામે રમાનારી ઈંગ્લેન્ડની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો ભાગ છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ નથી ઈચ્છતું કે 19 વર્ષીય રેહાન લાંબા સમય સુધી ઘરથી દૂર રહે, જેના કારણે તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
તસ્કીન અહેમદ અને શોરીફુલ ઈસ્લામ
બાંગ્લાદેશના ફાસ્ટ બોલર તસ્કીન અહેમદ અને શોરીફુલ ઈસ્લામે પણ આઈપીએલની હરાજીમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા છે. વાસ્તવમાં બાંગ્લાદેશની ટીમ માર્ચથી એપ્રિલ વચ્ચે ઘરઆંગણે શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામે દ્વિપક્ષીય શ્રેણી રમશે જેના કારણે બંને ખેલાડીઓ IPLનો ભાગ બની શકશે નહીં.
પ્રથમ વખત ભારતની બહાર હરાજી થશે
IPL 2024 ની હરાજી પ્રથમ વખત ભારતની બહાર કરવામાં આવશે. આ પહેલા ક્યારેય ભારતની બહાર હરાજી થઈ નથી, પરંતુ 2024માં રમાનારી IPL માટે ખેલાડીઓની હરાજી દુબઈની ધરતી પર થશે. આ સિવાય IPLની હરાજીમાં પહેલીવાર મહિલા ઓક્શનર જોવા મળશે. આ પહેલા આઈપીએલની તમામ હરાજીમાં માત્ર પુરુષો જ હરાજી કરતા હતા.
કોલકાતા નાઈટ રાઈડર્સએ સૌથી વધુ 12 ખેલાડીઓ ખરીદવાના છે. તેમાં ગુજરાત પછી સૌથી વધુ 32.7 કરોડ રૂપિયા બાકી છે. લખનઉ પાસે 10 ટીમોમાં સૌથી ઓછી રકમ 13.2 કરોડ રૂપિયા બાકી છે, જ્યારે તેણે છ ખેલાડીઓ ખરીદવાના છે.
આ ખેલાડીઓ પર રહેશે નજર
IPLના ઈતિહાસમાં પહેલીવાર વિદેશી ધરતી પર યોજાનારી બિડમાં શાર્દુલ ઠાકુર, હર્ષલ પટેલ, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, રચિન રવિન્દ્ર જેવા કેપ્ડ ક્રિકેટરો ઉપરાંત યુપીના સમીર રિઝવી જેવા અનકેપ્ડ યુવા ક્રિકેટરોનો સમાવેશ થશે. અરશિન કુલકર્ણી, મુંબઈનો મુશીર ખાન પર પણ પૈસાનો વરસાદ થવાની આશા છે.
ચેન્નઈ સુપર કિંગ્સ પાસે 31.4 કરોડ બાકી છે. બેન સ્ટોક્સની ગેરહાજરીમાં ધોનીની ટીમ શાર્દુલ ઠાકુર પર 10 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. અંબાતી રાયડુની જગ્યા ભરવા માટે મનીષ પાંડેને પણ ટીમમા સામેલ કરી શકે છે. જોસ હેઝલવુડ પણ તેના રડારમાં હશે.