IPL 2023 Points Table: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે રાજસ્થાન રૉયલ્સ અને પંજાબ કિંગ્સની ટીમો આમને-સામને ટકરાઇ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સે શાનદાર રીતે રાજસ્થાન રૉયલ્સને હરાવી દીધુ હતુ. આ મેચમાં સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 198 રનનો ટાર્ગેટ આપેલો હતો, પરંતુ તે 20 ઓવરમાં 7 વિકેટે 192 રન જ બનાવી શકી હતી. આ મેચમાં મળેલી જીત સાથે જ પંજાબ કિંગ્સના 4 પૉઈન્ટ થઈ ગયા છે. શિખર ધવનની કપ્તાનીમાં પંજાબ કિંગ્સનો સતત આ બીજો વિજય છે. આ પહેલા પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું હતું.
ટોપ પર છે ગુજરાત ટાઇટન્સ ટીમ -
IPL 2023 પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, ગુજરાત ટાઈટન્સની ટીમ અત્યારે ટોપ પર છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે તેની બંને મેચ જીતી લીધી છે. આ રીતે આ ટીમ 4 પોઈન્ટ સાથે ટોપ પર છે. જોકે, પંજાબ કિંગ્સના પણ 4 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રનરેટના કારણે ગુજરાત ટાઇટન્સ નંબર વન પર કાબિજ છે. વળી, આ ઉપરાંત ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા નંબર પર અનુક્રમે રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર, લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ છે. જોકે આ તમામ ટીમોના 2-2 પોઈન્ટ છે.
આ ટીમોને છે પહેલી જીતનો ઇન્તજાર
વળી, રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આ વખતે આઈપીએલ 2023માં હજુ સુધી જીતનું ખાતુ નથી ખોલાવી શકી, તેમને હજુ પણ પહેલી જીતનો ઇન્તજાર છે. આ ટીમોને તેમની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીની તેમની બંને મેચ જીતી છે. જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સે 1 મેચ જીતી છે અને 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ઋતુરાજ ગાયકવાડ ટોપ પર છે. બૉલરોની વાત કરીએ તો અત્યાર સુધી માર્ક વૂડે સૌથી વધુ 8 વિકેટ ઝડપીને નંબર વન પર છે.