IPL Media Rights: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મીડિયા રાઈટ્સની બોલી મુંબઈમાં ચાલી રહી છે. મળતા મીડિયા અહેવાલો અનુસાર ટીવી અને ડિજિટલ મીડિયા રાઈટ્સનું વેચાણ પૂર્ણ થઈ ચુક્યું છે. આઈપીએલની સીઝન 2023 થી 2027 સુધી આમ પાંચ વર્ષ માટે ટીવીના રાઈટ્સ સોનીએ અને ડિજિટલ રાઈટ્સ રિલાયન્સ (વાયકોમે) ખરીદ્યા છે. જો કે, આ અંગે સત્તાવાર એલાન થવાનું બાકી છે.


આઈપીએલની મેચોનું પ્રસારણ કરનાર કંપનીઓ દરેક મેચ માટે બીસીસીઆઈને 57.5 કરોડ રુપિયા આપશે. જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર આઈપીએલ મેચોનું સ્ટ્રીમિંગ કરનાર કંપનીઓ બીસીસીઆઈને દરેક મેચ માટે 48 કરોડ રુપિયા આપશે. આ મુજબ આઈપીએલની એક મેચની કિંમત 105 કરોડને પાર પહોંચી ગઈ છે. આ આંકડાઓ મુજબ એનએફએલ બાદ આઈપીએલ હવે ઈંગ્લિશ પ્રમીયિર લીગને પાછળ છોડીને દુનિયાની બીજી સૌથી મોટી લીગ બની ગઈ છે. EPLની એક મેચની કમાણી 85.83 કરોડ રુપિયા છે. ફક્ત  અમેરિકાની ફુટબોલ લીગ NFL જ કમાણીમાં આઈપીએલથી આગળ છે. એનએફએલની એક મેચની કમાણી અંદાજે 132.70 કરોડ રુપિયા છે. 


4 પેકેજમાં થઈ રહી છે હરાજીઃ
આઈપીએલના પ્રસારણ માટે મીડિયા રાઈટ્સ ઓક્શનમાં કુલ 4 પેકેજ A,B,C,D માટે બોલીઓ લગાવામાં આવી રહી છે. પેકેજ Aમાં ફક્ત ભારતીય ઉપમહાદ્વીપ માટે ટીવી રાઈટ્સ મળશે. જ્યારે પેકેજ Bમાં ફક્ત ભારતીય ઉપમહાદ્વીપમાં પ્રસારણ માટે ડિજિટલ રાઈટ્સ મળશે. જ્યારે પેકેજ Cમાં નક્કી કરાયેલી સ્પેશ્યલ મેચો જેવી કે પ્લેઓફના ડિજિટલ રાઈટ્સ મળશે જે ફક્ત ભારતીય ઉપમહાદ્વીપમાં જ પ્રસારણ કરી શકાશે. અંતમાં પેકેજ Dમાં દુનિયાના બાકીના ભાગોમાં પ્રસારણ માટે ટીવી અને ડિજિટલ એમ બંને પ્લેટફોર્મ પર પ્રસારણના રાઈટ્સ કંપનીઓને અપાઈ રહ્યા છે.


પહેલાં બંને પેકેજ પેકેજ A અને પેકેજ B 43 હજાર કરોડથી વધુના કિંમતે વેચાયા છે. ટીવી રાઈટ્સ માટેનું પેકેજ 23,575 કરોડ રુપિયામાં જ્યારે ડિજિટલ રાઈટ્સ માટેનું પેકેજ 19,680 કરોડ રુપિયામાં કંપનીઓએ ખરીદ્યું છે. આ આંકડાઓમાં ફેરફાર હોઈ શકે છે. IPLની ગત મીડિયા રાઈટ્સની હરાજીમાં બીસીસીઆઈને 16,347.50 કરોડ રુપિયાની કમાણી થઈ હતી. સ્ટાર ઈંડિયાએ પાંચ વર્ષ માટે 2018 થી 2022 સુધીના રાઈટ્સ 16,347.50 કરોડ રુપિયા આપીને ખરીદ્યા હતા.