IPL 2026 Prize Money Pool: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ટ્રોફી જીતનાર અને રનર-અપ રહેનાર ટીમો પર તો ઈનામી રકમનો વરસાદ થાય છે, પરંતુ દરેકના મનમાં એ સવાલ જરૂર થતો હશે કે આખી સિઝન પરસેવો પાડ્યા પછી પણ જે ટીમો પ્લેઓફમાં નથી પહોંચી શકતી તેમને શું મળે છે? ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) જેવી મોટી ટીમો જ્યારે પ્લેઓફમાંથી બહાર છે, ત્યારે ફેન્સ એ જાણવા માંગે છે કે શું આ ટીમો સાવ ખાલી હાથે ઘરે જશે? અહીં અમે તમને પ્લેઓફમાં ન પહોંચનારી ટીમોની ઈનામી રકમ અને ક્રિકેટ બોર્ડના નિયમો વિશેની તમામ વિગતો જણાવીશું.
ICC અને BCCI ના નિયમોમાં છે મોટો તફાવત
સામાન્ય રીતે, જ્યારે ICC ની કોઈ ટુર્નામેન્ટ (જેમ કે વર્લ્ડ કપ) રમાય છે, ત્યારે ઈનામી રકમ ભાગ લેનારી તમામ ટીમો વચ્ચે વહેંચવાનો નિયમ હોય છે. ઉદાહરણ તરીકે, જો કુલ ઈનામી રકમ 50 કરોડ રૂપિયા હોય, તો ચેમ્પિયન અને રનર-અપ સિવાય, ટુર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય તમામ ટીમોને પણ તેમના પ્રદર્શનના આધારે હિસ્સો મળે છે. પરંતુ, ભારતની આ લોકપ્રિય લીગ IPL ની વાત કરીએ તો, BCCI એ ઈનામી રકમ વહેંચવા માટે આવો કોઈ જ નિયમ બનાવ્યો નથી.
શું પ્લેઓફમાંથી બહાર થયેલી ટીમોને કંઈ મળે છે?
સીધા શબ્દોમાં કહીએ તો, ના. IPL પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહેનારી ટીમોને ઈનામી રકમ (પ્રાઇઝ મની) તરીકે એક પણ રૂપિયો મળતો નથી. આનો અર્થ એ થયો કે ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને અન્ય જે ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે, તેમને પ્રાઇઝ મનીમાંથી કોઈ જ રકમ નહીં મળે. ટૂર્નામેન્ટની ઈનામી રકમના દૃષ્ટિકોણથી તેમણે ખાલી હાથે જ પરત ફરવું પડશે.
આ પણ વાંચોઃ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ IPL માં બનાવ્યા 5 એવા મોટા રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય છે
પ્લેઓફમાં પહોંચેલી ટીમોને કેટલા રૂપિયા મળશે?
BCCI એ હજુ સુધી IPL 2026 માટે સત્તાવાર ઈનામી રકમની જાહેરાત કરી નથી. પરંતુ, જો આપણે ગત સિઝન (IPL 2025) ના આંકડા પર નજર કરીએ, તો ઈનામી રકમનું માળખું કંઈક આ મુજબ હતું:
ચેમ્પિયન ટીમ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 20 કરોડ રૂપિયાની માતબર રકમ મળી હતી.
રનર-અપ ટીમ: ફાઇનલમાં હારનારી પંજાબ કિંગ્સને 12.5 કરોડ રૂપિયા અપાયા હતા.
ત્રીજું સ્થાન: ત્રીજા નંબરે રહેલી ટીમને 7 કરોડ રૂપિયા મળ્યા હતા.
ચોથું સ્થાન: ચોથા સ્થાન પર રહેલી ટીમને 6.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
આમ, IPL માં માત્ર ટોપ-4 માં પહોંચનારી એટલે કે પ્લેઓફ રમનારી ટીમો જ ઈનામી રકમની હકદાર બને છે, બાકીની ટીમોને પ્રાઇઝ મનીમાંથી કોઈ હિસ્સો મળતો નથી.
આ પણ વાંચોઃ IPL 2026: પ્લેઓફમાં 1 સ્થાન માટે 4 ટીમો વચ્ચે કાંટાની ટક્કર, જાણો સંપૂર્ણ પ્લેઓફ સમીકરણ
