Jofra Archer Ruled Out: આઇપીએલની 16મી સિઝનમાં આજે મુંબઇ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે મેચ રમાશે, આ મેચ પહેલા મુંબઇની ટીમ અને મુંબઇના ફેન્સ માટે માઠા સામાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર બૉલર જોફ્રા આર્ચર આઇપીએલમાંથી બહાર થઇ ગયો છે. હવે જોફ્રા આર્ચર ઇંગ્લેન્ડ પરત ફરી રહ્યો છે.
આજે મુંબઇ ઇન્ડિયન્સની ટક્કર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર સામે થવાની છે, આજની મેચ મુંબઇના હૉમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચની ઠીક પહેલા મુંબઇને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના લીડ બૉલર જોફ્રા આર્ચર -Jofra Archer અચાનક IPL 2023ની આખી સિઝનમાંથી બહાર થઇ ગયો છે. હવે તે પોતાના રિહેબ પર ફૉકસ કરવા માટે ઇંગ્લેન્ડ પરત ફરી રહ્યો છે. મુંબઇની ટીમમાં તેની જગ્યાએ ઇંગ્લિશ ફાસ્ટ બૉલર ક્રિસ જૉર્ડન ટીમ સાથે જોડાઇ ગયો છે. ખાસ વાત છે કે મુંબઇ ઇન્ડિયન્સ આઇપીએલ 2023માં શરૂઆતની મેચોમાં હાર બાદ જબરદસ્ત રીતે વાપસી કરતાં એક પછી એક જીત મેળવી રહી છે, આવામાં પ્લેઓફમાં પહોંચવાની આશા પણ મુંબઇની ટીમ પર ફરી એકવાર ઉભી થઇ છે, ત્યારે અંત સમયે જોફ્રા આર્ચર ટીમમાંથી બહાર થઇ જતા મુંબઇને મોટો ફટકો લાગ્યો છે.
જોફ્રા આર્ચર વર્ષ 2021ની શરૂઆતથી જ ઇજાગ્રસ્ત રહ્યો છે. ગયા 26 મહિનામાં તેની 6 વાર સર્જરી થઇ ચૂકી છે. ઇજા અને સર્જરીમાંથી પુરેપુરી રીતે રિકવર ના હોવાના કારણે જ જોફ્રા આર્ચરને હવે ઇંગ્લેન્ડ પરત ફરવુ પડ્યુ છે.
મુંબઇ ઇન્ડિયન્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું છેકે, બાકી બચેલી સિઝન માટે ક્રિસ જૉર્ડન મુંબઇ ઇન્ડિયન્સને જૉઇન કરશે. તેને જોફ્રા આર્ચરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોફ્રા આર્ચરના રિકવર અને ફિટનેસ પર ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ નજર રાખી રહ્યું છે. તે પોતાની ફિટનેસ રિહેબ પર ફોકસ કરવા માટે ઇંગ્લેન્ડ પરત ફરશે.