MI Playoff Scenario 2026: IPL 2026ની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની હાલત અત્યારે ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. 9 મેચ રમી ચૂકેલી મુંબઈની ટીમ માત્ર 2 જ મેચ જીતી શકી છે અને પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે છે. હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓ હોવા છતાં ટીમ સતત સંઘર્ષ કરી રહી છે, જ્યારે ઈજાગ્રસ્ત રોહિત શર્મા બહાર બેસીને માત્ર નિરાશા જ જોઈ રહ્યો છે. હવે ચાહકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે, શું આટલા ખરાબ પ્રદર્શન પછી પણ મુંબઈ પ્લેઓફમાં પહોંચી શકશે? જો હા, તો તેનું ગણિત શું છે? ચાલો સમજીએ મુંબઈના પ્લેઓફમાં પહોંચવાનું આખું સમીકરણ.
પ્લેઓફમાં પહોંચવા મુંબઈએ શું કરવું પડશે?
મુંબઈ ઈન્ડિયન્સે લીગ સ્ટેજમાં અત્યાર સુધી 9 મેચ રમી છે, જેમાંથી માત્ર 2 જીત સાથે તેમની પાસે અત્યારે 4 પોઈન્ટ છે. હવે લીગ સ્ટેજમાં તેમની 5 મેચ બાકી છે. જો મુંબઈને પ્લેઓફની રેસમાં ટકી રહેવું હોય, તો તેણે આ બાકીની 5 માંથી 5 મેચ ફરજિયાત જીતવી જ પડશે. જો ટીમ આમ કરવામાં સફળ રહેશે, તો તેના કુલ 14 પોઈન્ટ થઈ જશે.
14 પોઈન્ટથી પણ ક્વોલિફાય થવાની ગેરંટી નથી
જોકે, ખરી વાત તો એ છે કે સતત 5 મેચ જીત્યા પછી પણ મુંબઈની મુશ્કેલીઓનો અંત નહીં આવે. 14 પોઈન્ટ મેળવી લેવા એનો અર્થ એ નથી કે પ્લેઓફની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ. તમને યાદ હોય તો, ગત સિઝનમાં 15 પોઈન્ટ હોવા છતાં દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ હતી. જોકે, આનો અર્થ એ પણ નથી કે 14 પોઈન્ટ સાથે મુંબઈ ચોક્કસ બહાર જ થઈ જશે. સાચું સમીકરણ એ છે કે બાકીની 5 મેચ જીત્યા પછી પણ મુંબઈએ અન્ય ટીમોની મેચોના પરિણામો પર આધાર રાખવો પડશે.
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
નેટ રન રેટ (NRR) ની ભૂમિકા રહેશે સૌથી મોટી
અત્યારે મુંબઈ પાસે માત્ર 4 પોઈન્ટ છે અને તેમનો નેટ રન રેટ (NRR) -0.803 છે, જે ઘણો નબળો કહી શકાય. 14 પોઈન્ટ સુધી પહોંચવા માટે બધી મેચ જીતવાની સાથે-સાથે તેમણે એ પણ ધ્યાન રાખવું પડશે કે તેમનો રન રેટ બાકીની ટીમો કરતા સારો રહે.
જો મુંબઈ હવે 1 પણ મેચ હારશે, તો તેઓ વધુમાં વધુ 12 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. છેલ્લે 2019ની સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહ્યું હતું. પણ ત્યારે લીગમાં માત્ર 8 ટીમો જ રમતી હતી, જ્યારે હવે 10 ટીમો છે. આથી, 10 ટીમોની આ લીગમાં માત્ર 12 પોઈન્ટ સાથે ક્વોલિફાય થવું મુંબઈ માટે લગભગ અશક્ય જ છે.
