IPL 2022: આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થયો હતો. મુંબઈએ પોતાની શાનદાર બોલિંગના જોરે આ મેચ જીતી છે. મુંબઈએ ચેન્નાઈને 5 વિકેટે હરાવ્યું. 98 રનના સ્કોરનો પીછો કરતા મુંબઈએ 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ પહેલા મુંબઈની ટીમે ચેન્નાઈને માત્ર 97 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ મેચમાં મુંબઈની જીતનો હીરો ડેનિયલ સેમ્સ હતો જેણે માત્ર 16 રન આપીને ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. આ મેચમાં હાર સાથે ચેન્નાઈનું પ્લેઓફમાં જવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે.
મુંબઈ મેચ જીત્યુંઃ
આ પહેલા 98 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત પણ ઘણી સારી રહી ન હતી. ટીમનો ઓપનર ઇશાન કિશન માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રોહિત શર્મા સ્કોરને આગળ લઈ ગયો અને 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. તેના આઉટ થયા બાદ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલ સેમ્સ પણ 1 રન બનાવીને આઉટ થયો હતો.
ત્યાર બાદ આજની મેચમાં મુંબઈ માટે ડેબ્યૂ કરી રહેલો ટ્રિસ્ટન સ્ટબ્સ પણ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. તેના આઉટ થયા બાદ હૃતિક અને તિલકે 48 રનની ભાગીદારી કરીને ટીમને જીતની નજીક લઈ ગયા હતા. જોકે હૃતિક તેની ઇનિંગ્સને આગળ વધારી શક્યો ન હતો અને 18 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ ટિમ ડેવિડ અને તિલકે ટીમને જીત અપાવી હતી. મુંબઈ તરફથી તિલક વર્માએ 32 બોલમાં અણનમ 34 રનની ઇનિંગ રમી હતી. સાથે જ ટિમ ડેવિડે 7 બોલમાં અણનમ 16 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી મુકેશ ચૌધરીએ 23 રનમાં 3 વિકેટ લીધી હતી.
ચેન્નાઈના બેટ્સમેનોએ નિરાશ કર્યાઃ
મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 16 ઓવરમાં 97 રનમાં આઉટ કરી દીધી હતી. જે બાદ મુંબઈને 98 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ચેન્નાઈની ટીમ તરફથી એમએસ ધોની (અણનમ 36) એ સૌથી વધુ રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ડેનિયલ સેમ્સે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે રિલે મેરેડિથ અને કુમાર કાર્તિકેયે બે-બે વિકેટ લીધી હતી, જ્યારે જસપ્રિત બુમરાહ અને રમનદીપ સિંહે એક-એક વિકેટ ઝડપી હતી.