ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાની ફિટનેસ અને નેટ પ્રેક્ટિસમાં કોઈ બાંધછોડ કરતો નથી. સાથે જ વિરાટ કોહલી પણ મેદાન પર તેના આક્રમક વલણ માટે જાણીતો છે. ક્રિકેટ ફેન્સ તો એવું પણ માને છે કે વિરાટની અંદર હંમેશા આગ જળતી રહે છે અને ગુસ્સો તેનો સાચો મિત્ર છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોહલી એમસીએ સ્ટેડિયમમાં નેટમાં તેની બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. વીડિયોમાં દેખાય છે કે પ્રેક્ટિસ દરમિયાન લેગ સ્પિનરે ફેંકેલા બોલને કટ કરવાના પ્રયાસમાં કોહલી ક્લિન બોલ્ડ થઈ જાય છે. પોતાના આ ખરાબ શોટથી કોહલી ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે. ત્યાર બાદ કોહલી બેટ વડે સ્ટમ્પને મારવાનો પ્રયાસ કરે છે પણ સ્ટમ્પને બેટ ફટકારતાં અચકાય છે. ત્યાર બાદ સ્ટમ્પ ફરીથી ઉભું કરીને પ્રેક્ટિસ કરે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. 






કોહલીનું આઈપીએલમાં યોગદાનઃ
IPL 2022માં વિરાટ કોહલી એટલો ફોર્મમાં જોવા નથી મળી રહ્યો. આ સ્ટાર બેટ્સમેને IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે ત્રણ મેચમાં માત્ર 58 રન બનાવ્યા છે. પંજાબ કિંગ્સ (PBKS) સામે આરસીબીની પ્રથમ મેચમાં, કોહલીએ 29 બોલમાં 41 રન બનાવ્યા, ત્યારબાદ તેણે KKR સામે 12 અને રાજસ્થાન રોયલ્સ સામે 5 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પહેલાં કોહલીએ 210 મેચમાં 37.30ની એવરેજથી 6341 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 42 અડધી સદી અને 5 સદી ફટકારી હતી. કોહલીએ 140 IPL મેચોમાં RCBની કેપ્ટનશિપ પણ કરી છે.