IPL 2022: આજે શનિવારે બપોરે 3.30 વાગ્યાથી ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ શરુ થઈ હતી. બંને ટીમો આ સીઝનમાં પોતાની પ્રથમ જીત નોંધાવવા માટે રમવા ઉતરી હતી જેમાં હૈદરાબાદને સફળતા મળી છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ ખુબ ખરાબ રીતે પોતાની સતત ચોથી મેચ પણ હારી ગયું હતું.


હૈદારાબાદના બોલરે છવાયાઃ
ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરનાર હૈદરાબાદની ટીમના બોલરોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ચેન્નાઈના સ્ટાર બેટ્સમેન પણ કંઈ ખાસ રન બનાવી નહોતા શક્યા. ઉથપ્પા 15 રન અને ઋતુરાજ ગાયકવાડ 16 રન બનાવીને તરત આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ મોઈન અલી અને રાયડુએ બાજી સંભાળી હતી. મોઈને 48 રન અને રાયડુએ 27 રન બનાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ ચેન્નાઈની વિકેટ ફટાફટ પડવા લાગી હતી. જેમાં દુબે (3), જાડેજા (23), ધોની (3) સસ્તામાં આઉટ થયા હતા. આમ હૈદરાબાદના બોલરોએ ચેન્નાઈના બેટ્સમેનને ખાસ રન બનાવાનો મોકો નહોતો આપ્યો. ચેન્નાઈએ 20 ઓવરના અંતે 154 રન બનાવીને 7 વિકેટ ગુમાવી હતી. હૈદરાબાદના વોશિંગટન સુંદર અને નટરાજને 2 - 2 વિકેટ જ્યારે મારક્રમ, ભુવનેશ્વર અને જેન્સને 1-1 વિકેટ ઝડપી હતી.


હૈદરાબાદની રણનીતિએ કામ કર્યુઃ
સન રાઈઝર્સ હૈદારાબાદને 155 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટીમે આ લક્ષ્યાંકને ખુબ જ શાંતિથી પણ મક્કમ રીતે બેટિંગ ફોર્મેટ જાળવીને મેળવી લીધો હતો. હૈદારાબાદના અભિષેક શર્મા અને કેપ્ટન કેન વિલિયમ્સને સારી શરુઆત કરી હતી. અભિષેક શર્માએ 50 બોલમાં 75 રનની તોફાની બેટિંગ કરીને ચેન્નાઈના બોલરને ધોયા હતા. વિલિયમ્સને 40 બોલમાં 32 રન કર્યા હતા. ત્યાર બાદ આવેલા રાહુલ ત્રિપાઠીએ 15 બોલમાં 39 રનની શાનદાર બેટિંગ કરી હતી. આમ ફક્ત 17.4 ઓવરના અંતે હૈદરાબાદે 8 વિકેટે મેચ જીતી લીધી હતી.


ચેન્નાઈની હારનું કારણઃ
આઈપીએલની આ સીઝનમાં અત્યાર સુધીમાં ચેન્નાઈની ટીમે સતત ચોથી હાર મેળવી છે. આજની મેચમાં ચેન્નાઈના બેટ્સમેન ખાસ સારું પ્રદર્શન નથી કરી શક્યા. સ્ટાર બેટ્સમેનની વાત કરીએ તો ઉથપ્પા, ઋતુરાજ ગાયકવાડ, ધોની અને જાડેજાએ પણ વખાણવા લાયક બેટિંગ નથી કરી શક્યા. ત્યાર બાદ ટીમના બોલર પણ હૈદારાબાદની વિકેટ લેવામાં સફળ નથી રહ્યા. ફક્ત બ્રાવો અને મુકેશ ચૌધરી 1-1 વિકેટ લઈ શક્યા હતા.