કિરોન પોલાર્ડ વર્ષ 2010માં મુંબઈ ઈંડિયન્સમાં જોડાયો હતો. છેલ્લા 13 વર્ષથી આ પોલાર્ડ આ ફ્રેન્ચાઈઝી સાથે ક્રિકેટ રમી રહ્યો છે. પોલાર્ડ અત્યાર સુધી IPLની 180 મેચ રમી ચૂક્યો છે. IPLમાં તેના નામે 3293 રન અને 66 વિકેટ છે. આ ઓલરાઉન્ડર ખેલાડીએ મુંબઈ ઈંડિયન્સને ઘણી મેચો જીતાડી છે. પરંતુ આ વખતે તે IPLની પ્રથમ બે મેચમાં પોતાની ટીમ માટે કંઈ ખાસ કરી શક્યો નથી. શનિવારે રમાયેલી મેચમાં તે મુંબઈ ઈંડિયન્સની હારનું મુખ્ય કારણ બન્યો હતો.


ગઈકાલે રમાયેલી રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં, પોલાર્ડે પહેલી ચાર ઓવરમાં 46 રન આપ્યા અને ત્યાર બાદ જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે 24 બોલમાં 22 રન બનાવ્યા. તે ખૂબ જ ધીમી બેટિંગ કરતો જોવા મળ્યો હતો. શરૂઆતના કેટલાક બોલમાં તે એક પણ રન બનાવી શક્યો નહોતો. તેની ધીમી બેટિંગના કારણે મુંબઈનો જીત માટેનો જરૂરી રન રેટ વધી ગયો અને મેચ હાથમાંથી સરકી ગઈ. મુંબઈ રાજસ્થાન સામે 23 રનથી હારી ગયું હતું.


પોલાર્ડની ધીમી બેટિંગ અને અત્યંત ખરાબ બોલિંગ બાદ મુંબઈ ઈંડિયન્સના ચાહકો ટ્વિટર પર ગુસ્સે થયા છે. તે પોલાર્ડને ટીમ માટે બોજ ગણાવી રહ્યા છે. કેટલાકે તેને ટીમ છોડવાની સલાહ પણ આપી છે.