IPL Media Rights 2023-27:  IPL મીડિયા અધિકારોની હરાજી પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર નીતા અંબાણીએ કહ્યું કે 'IPLને વિશ્વના દરેક ભાગમાં ક્રિકેટ ચાહકો સુધી પહોંચાડવાનું અમારું મિશન છે.' IPLના 2023 થી 2027 માટે તમામ કેટેગરીની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ વખતે બીસીસીઆઈએ ચાર ગ્રુપમાં મીડિયા રાઈટ્સ વેચવાનો નિર્ણય લીધો હતો. પહેલું ગ્રુપ ભારતમાં ટીવી મીડિયા અધિકારોનું હતું અને તેના માટે 23,575 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. બીજું ગ્રુપ OTT પ્લેટફોર્મ પર ટેલિકાસ્ટ અધિકારોનું હતું અને તેના માટે રૂ. 20,500 કરોડની બોલી લગાવવામાં આવી છે. ત્રીજું ગ્રૂપ સ્પેશિયલ કેટેગરીની મેચ માટે હતો જેના માટે રૂ. 3,258 કરોડની બિડ મળી છે, જ્યારે ચોથું ગ્રુપ વિદેશી પ્રસારણ અધિકારો માટેનું હતું જેના માટે રૂ. 1,057 કરોડની બિડ મળી છે.


બીસીસીઆઈએ કરી તગડી કમાણી


બીસીસીઆઈએ મીડિયા અધિકારોની હરાજી દ્વારા 48390 કરોડની કમાણી કરી છે. ટીવી અને ડિજિટલ રાઈટ્સ અલગ-અલગ કંપનીઓને આપવામાં આવ્યા છે. સ્ટાર સ્પોર્ટ્સે આઈપીએલના ટીવી અને Viacom18 ગ્રુપે ડિજિટલ રાઈટ્સ જીત્યા છે. જ્યારે Viacom18 સ્પેશિયલ કેટેગરીના અધિકારો અને Viacom18 અને Times Internet એ વિદેશી મીડિયાના અધિકારો ખરીદ્યા છે.


નીતા અંબાણીએ આ વાત કહી


બુધવારે Viacom18 ની સત્તાવાર જાહેરાત અનુસાર, નીતા અંબાણીએ કહ્યું કે રમતગમત આપણું મનોરંજન કરે છે, આપણને પ્રેરણા આપે છે અને આપણને એક સાથે લાવે છે. ક્રિકેટ અને આઈપીએલ શ્રેષ્ઠ રમત અને શ્રેષ્ઠ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. એટલા માટે અમને આ મહાન રમત અને આ અદ્ભુત લીગ સાથેના અમારા જોડાણને વધુ ગાઢ બનાવવામાં ગર્વ છે. લીગને વિશ્વના દરેક ક્રિકેટ પ્રેમી સુધી પહોંચાડવાનું અમારું મિશન છે.