Sunrisers Hyderabad vs Punjab Kings IPL 2022: પંજાબ કિંગ્સે IPL 2022 ની છેલ્લી લીગ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 5 વિકેટે જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પંજાબે 15.1 ઓવરમાં ટાર્ગેટ મેળવી લીધો હતો. પંજાબ માટે લિયામ લિવિંગસ્ટોને તોફાની બેટિંગ કરી હતી. તેણે માત્ર 22 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા. આ સાથે, હરપ્રીત બ્રારે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 26 રન આપીને 3 વિકેટ લીધી હતી.


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 157 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ તરફથી જોની બેરસ્ટો અને શિખર ધવન ઓપનિંગ કરવા આવ્યા હતા. ધવને 32 બોલનો સામનો કર્યો અને બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા. જ્યારે બેયરસ્ટો 15 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. શાહરૂખ ખાન 10 બોલમાં 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન મયંક અગ્રવાલ માત્ર એક રન બનાવી શક્યો હતો. જીતેશ શર્માએ 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 19 રન બનાવ્યા હતા.


અંતે લિવિંગસ્ટોને તોફાની બેટિંગ કરી હતી. તેણે 22 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી અણનમ 49 રન બનાવ્યા હતા. જ્યારે પ્રેરક માંકડ 4 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે એક બોલમાં ચોગ્ગો ફટકાર્યો હતો. આ રીતે પંજાબે 15.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય ટાર્ગેટ મેળવી લીધો હતો. હૈદરાબાદ તરફથી બોલિંગ કરતી વખતે ફારૂકીએ 4 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે 2 ઓવરમાં 19 રન આપીને એક વિકેટ લીધી હતી. ઉમરાન મલિકે 2.1 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી. જગદીશાને પણ એક વિકેટ લેવામાં સફળતા મળી હતી


સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા. ટીમ તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. તેણે 32 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. જ્યારે વોશિંગ્ટન સુંદરે 19 બોલમાં 3 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 25 રન બનાવ્યા હતા. શેફર્ડે 26 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે 15 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.