GT vs RR Qualifier 1: IPL 2022ની ક્વોલિફાયર 1 મંગળવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ પર સંકટના વાદળો છવાયેલા છે. ક્વોલિફાયર 1 પહેલાં શનિવારે, ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ પર ત્રાટકેલા તોફાને વિનાશ વેર્યો હતો. તોફાનના કારણે સ્ટેડિયમનું પ્રેસ બોક્સ પણ તૂટી ગયું હતું. આ સાથે મંગળવારે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં વાવાઝોડું અને વરસાદ આવવાની સંભાવના છે.
શનિવારે કોલકાતામાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાયો હતો. તોફાનની તીવ્રતા એટલી વધારે હતી કે ઈડન ગાર્ડન્સના મીડિયા બોક્સની આગળની બારી તૂટી ગઈ હતી. આ ઉપરાંત કેટલાક જાહેરાતના હોર્ડિંગ્સને પણ નુકસાન થયું હતું. ગ્રાઉન્ડ કવરનો એક ભાગ પણ તૂટી ગયો હતો. ધ ટેલિગ્રાફમાં છપાયેલા અહેવાલ મુજબ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ સાંજે ઈડન ગાર્ડનની મુલાકાત લીધી હતી. તેણે એ પણ પુષ્ટિ કરી કે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ક્વોલિફાયર 1 પહેલા સોમવાર સુધીમાં બધી વસ્તુઓને રિપેર કરી દેવામાં આવશે.
બીબીસીની હવામાન આગાહી અનુસાર, પ્રથમ ક્વોલિફાયર મેચની સાંજે વાવાઝોડા અને હળવા પવન ફૂંકાય તેવી આગાહી છે. રવિવાર અને સોમવારે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેનો અર્થ છે કે આઉટફિલ્ડ પર પણ થોડો ખતરો રહેશે. હજુ સુધી IPL 2022 ની કોઈ મેચ વરસાદને કારણે રદ્દ થઈ નથી. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મંગળવાર, 24 મેના રોજ પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે.
જો ક્વોલિફાયર 1 મેચ વરસાદને કારણે ધોવાઈ જાય, તો IPLના કડક શેડ્યૂલને કારણે કોઈ અનામત દિવસ નથી રાખવામાં આવ્યો. આવી સ્થિતિમાં ગુજરાત ટાઈટન્સ તેના લીગ મેચોના સારા પ્રદર્શનના કારણે સીધું ફાઇનલમાં ક્વોલિફાય થશે. બીજી તરફ, રાજસ્થાને ક્વોલિફાયર 2માં એલિમિનેટરના વિજેતા સામે ટકરાવું પડશે. જો વરસાદને કારણે એલિમિનેટર નહીં રમાય તો લખનઉ ક્વોલિફાયર 2માં પહોંચી જશે. આ સ્થિતિમાં લખનઉનો મુકાબલો રાજસ્થાન સાથે થશે અને વિજેતા ટીમ ફાઇનલમાં ગુજરાત સામે ટકરાશે.