ગઈકાલે (શુક્રવારે) રાજસ્થાન રોયલ્સની ટીમની સોશિયલ મીડિયા પોસ્ટ પર કહેવાયું હતું કે ટીમના કેપ્ટન સંજુ સેમસન ગુસ્સે થયા છે. આ નારાજગી બાદ ટીમ મેનેજમેન્ટે પોતાની સોશિયલ મીડિયા ટીમને હટાવવાની વાત કરી હતી. મોડી રાત્રે રાજસ્થાન રોયલ્સના સોશિયલ મીડિયા પરથી એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં ફ્રેન્ચાઈઝીના સોશિયલ મીડિયા એડમિનિસ્ટ્રેટર્સ પોતાની નોકરી બચાવવા માટે ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ પાસે જતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એડમિને ખૂબ જ ઉદ્ધત જવાબો આપ્યા. હવે ખુલાસો થયો છે કે શુક્રવારે બનેલી આ સમગ્ર ઘટના નકલી હતી. તે સંપૂર્ણપણે એક મજાક હતી.
રાજસ્થાન રોયલ્સે શનિવારે સવારે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રાજસ્થાન રોયલ્સની ટીમ મેનેજમેન્ટ તેમના નવા સોશિયલ મીડિયા એડમીનની શોધમાં ઓડિશનનું આયોજન કરે છે. આ ઓડિશનમાં યુઝવેન્દ્ર ચહલથી લઈને શિમરોન હેટમાયર અને રિયાન પરાગ સુધીના ખેલાડીઓએ ઓડિશન આપ્યું હતું. ટીમ મેનેજમેન્ટને આ તમામ ઓડિશન બકવાસ લાગે છે અને ફરી એકવાર ટીમ મેનેજમેન્ટ તેમના જૂના એડમિનને બોલાવે છે. ગઈકાલની ઘટનાને પ્રેંક (મજાક) ગણાવતાં આ વીડિયો ટ્વીટ કરાયો હતો અને તેની સાથે રાજસ્થાન રોયલ્સે લખ્યું કે, 'આ પ્રૅન્ક ફેક ઓડિશન વિના અધૂરી હતી.'
શું હતો સમગ્ર મામલો?
શુક્રવારે રાજસ્થાન રોયલ્સના ટ્વિટર હેન્ડલ પર સંજુ સેમસનની તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. આ તસવીરમાં સંજુ કાનમાં બુટ્ટી પહેરેલો જોવા મળ્યો હતો. આ તસવીર સાથે 'ક્યા ખૂબ લગતે હો' કેપ્શન આપવામાં આવ્યું છે. આનાથી સંજુ સેમસન ગુસ્સે થયો હતો. સંજુ સેમસને આ પોસ્ટના જવાબમાં લખ્યું, 'જો મિત્રો આ બધું કરે તો સારું છે પરંતુ ટીમે પ્રોફેશનલ રહેવું જોઈએ'.
સંજુની આ પોસ્ટ બાદ રાજસ્થાન રોયલ્સની મેનેજમેન્ટ ટીમને સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, 'આજના ઘટનાક્રમને જોતાં અમે અમારી સોશિયલ મીડિયા ટીમ અને તેના અભિગમમાં ફેરફાર કરીશું. મેનેજમેન્ટ તેની ડિજીટલ વ્યૂહરચનાનું પુનઃ વિશ્લેષણ કરશે અને ટૂંક સમયમાં નવી ટીમની નિમણૂક કરવામાં આવશે.
જો કે આ પછી પણ રાજસ્થાન રોયલ્સના ટ્વિટર હેન્ડલ પરથી કેટલાક ફની ટ્વીટ્સ પોસ્ટ કરવામાં આવ્યા હતા. એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ટ્વિટર એડમિન પોતાની નોકરી બચાવવા માટે ખેલાડીઓ અને ટીમના મેનેજમેન્ટને મળવા માટે પહોંચે છે. આ દરમિયાન, એડમિનને ખેલાડીઓ અને મેનેજમેન્ટ તરફથી ખૂબ જ રમુજી જવાબો મળે છે.
અંતમાં એડમિને ફિલ્મ 'હેરા-ફેરી'ના એક સીનનો ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું, 'હેલો એડમિન બોલું છું.. ગુડનાઈટ'.