Rashid Khan IPL 2022: ટી20 ક્રિકેટના સૌથી સફળ બોલરમાં અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનનું (Rashid Khan) નામ આવે છે. રાશિદ ખાન સામે મોટા-મોટા દિગ્ગજ બેટ્સમેન પણ ટકી નથી શકતા. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, રાશિદ ખાનને પણ ભારતના એક બેટ્સમેન સામે બોલિંગ કરતાં પરસેવો છૂટી જાય છે. રાશિદે ખુદ આ બેટ્સમેનનું નામ જાહેર કર્યું છે.


આ ખેલાડી સામે બોલિંગ કરવી મુશ્કેલઃ
રાશિદ ખાન આઈપીએલ 2022માં ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સનો ભાગ હતો. ટીમને ચેમ્પિયન બનાવવામાં રાશિદ ખાનનું પણ મોટું યોગદાન રહ્યું છે. રાશિદે હાલમાં જ ખુલાસો કર્યો છે કે, તેમની ટીમના સાથી શુભમન ગિલ સામે બોલિંગ કરવી ઘણી મુશ્કેલ છે. રાશિદનું કહેવું છે કે, તે બોલિંગ કરતી વખતે ગિલ સામે ઘણી કઠણાઈઓનો સામનો કરે છે.


રાશિદે કર્યા વખાણઃ
શુભમન ગિલ આઈપીએલ 2022ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સની જીતનો હિરો રહ્યો છે. રાશિદ ખાને શુભમન ગિલ (Shubman Gill) વિશે વાત કરતાં કહ્યું કે, ઘણો ગર્વે છે કે, શુભમન ગિલ અમારી ટીમનો ભાગ હતો. તેની સાથે રમવાથી એક સકારાત્મક ઉર્જા મળે છે. જે રીતે ગિલે ટૂર્નામેન્ટમાં પોતાનું પ્રદર્શન કર્યું છે તે અવિશ્વસનીય છે. હું ઘણો ખુશ છું કે, તે અમારી ટીમનો સભ્ય છે. તે એકમાત્ર બેટ્સમેન છે જેની સામે બોલિંગ કરતાં મને મુશ્કેલી અનુભવાય છે.


રાશિદ અને શુભમન રહ્યા સુપરહિટઃ
ગુજરાત ટાઈટન્સને આઈપીએલનું ટાઈટલ જીતાડવામાં શુભમન ગિલ અને રાશિદ ખાનનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું છે. રાશિદે આ સિઝનમાં 16 મેચોમાં 6.60ની ઈકોનોમીથી રન આપીને 19 વિકેટ ઝડપી હતી. જ્યારે શુભમન ગિલે આ સીઝનમાં 16 મેચો રમી જેમાં 34.50ની એવરેજ અને 132.32ની સ્ટ્રાઈક રેટથી 483 રન બનાવ્યા હતા. ગિલ ગુજરાત માટે સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન છે.