IPL 2022ની શરૂઆત પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ મોટો ધડાકો કર્યો છે. તેમણે ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપી દીધી છે. જાડેજા હવે ટીમની કમાન સંભાળશે. કેપ્ટન બન્યા બાદ રવિન્દ્ર જાડેજાએ પહેલી પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે તે કેપ્ટનશીપ મેળવીને ખુશ છે, પરંતુ તેની સામે એક પડકાર પણ છે. જાડેજાએ ધોની વિશે કહ્યું કે તેના વારસાને આગળ વધારવો પડકારજનક રહેશે. આ સાથે તેણે માહીના વખાણ પણ કર્યા હતા.
ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વખત આઈપીએલ ટાઈટલ જીત્યા હતા. સુકાની બન્યા બાદ જાડેજાએ કહ્યું કે, સારું અનુભવું છું. માહી ભાઈએ એક વારસો સેટ કર્યો છે. મારે આને આગળ લઈ જવાનો છે. મારે કોઈપણ રીતે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેઓ મારી સાથે છે. મને જે પણ પ્રશ્નો હશે, હું માહી ભાઈ સાથે શેર કરી લઈશ. તેઓ મારા માટે પહેલા પણ હતા અને આજે પણ છે. તેથી મને કોઈ ચિંતા નથી. તમામ શુભકામનાઓ માટે આપ સૌનો આભાર.
રવિન્દ્ર જાડેજાનું IPLમાં જોરદાર પ્રદર્શન રહ્યું છે
નોંધનીય છે કે ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાનું IPLમાં જોરદાર પ્રદર્શન રહ્યું છે. તેણે 200 મેચમાં 2386 રન બનાવ્યા છે. આ દરમિયાન જાડેજાએ બે અડધી સદી ફટકારી છે. તેણે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરીને 127 વિકેટ લીધી છે. IPL મેચમાં જાડેજાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 16 રન આપી 5 વિકેટ લેવાનું છે.
જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં જાળવી રાખ્યો હતો
આ વખતે ચેન્નઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ધોનીને આ સિઝન માટે માત્ર 12 કરોડમાં જ રિટેન કરવામાં આવ્યો હતો. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.