મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં આજે મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી મેચ રમાશે. બંન્ને વચ્ચેની મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. રાજસ્થાન આ મેચ જીતીને તેનું પ્લેઓફ સ્થાન લગભગ નિશ્ચિત કરવા માંગે છે, જ્યારે મુંબઇ પોતાની આ સીઝનની પ્રથમ જીત મેળવવાનો પ્રયાસ કરશે. આ વચ્ચે આજની મેચ રાજસ્થાન માટે ખૂબ મહત્વની રહેશે. આ મેચમાં શેન વોર્નને ખાસ યાદ કરવામાં આવશે.
આજે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં શેન વોર્ન ટ્રિબ્યુટ ગેલેરી હશે. બધા ચાહકો આ ગેલેરીમાં જઈ શકશે. આ અવસર પર શેન વોર્નનો ભાઈ જેસન પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીએ તેને આ ખાસ પ્રસંગે આવવા વિનંતી કરી હતી, જેને તેણે સ્વીકારી લીધી છે. સૌથી મહત્વની વાત એ છે કે રાજસ્થાન રોયલ્સની ટીમ પણ શેન વોર્નની યાદમાં ખાસ જર્સી પહેરશે.
આ જર્સીના કોલર પર 'SW23' લખેલું હશે. રાજસ્થાન ફ્રેન્ચાઈઝીએ આ જર્સીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં રાજસ્થાનના ખેલાડીઓએ આ ખાસ જર્સી પહેરેલા જોવા મળે છે. આ તસવીરોને કેપ્શન આપવામાં આવ્યું છે, 'આ ખાસ વ્યક્તિના સન્માનમાં એક ખાસ જર્સી'. ઉલ્લેખનીય છે કે, શેન વોર્ન IPLની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો. તેણે 37 વર્ષની ઉંમરે આ ટીમની કેપ્ટનશિપ કરી હતી. વોર્નની કપ્તાની હેઠળ પ્રથમ IPL ટ્રોફી રાજસ્થાન રોયલ્સે જીતી હતી.શેન વોર્નનું આ વર્ષે માર્ચમાં હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. તેઓ માત્ર 52 વર્ષના હતા.