RCB vs SRH: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટની 30મી મેચ છે, જે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જે કદાચ ખોટો સાહિત થયો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે હૈદરાબાદના બેટ્સમેનો વિસ્ફોટક બેટિંગ કરી રહ્યા છે.
હેડે 41 બોલમાં 102 રન બનાવ્યા હતા
સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન ટ્રેવિસ હેડે તેની શાનદાર ઇનિંગ ચાલુ રાખી અને આરસીબી સામે 39 બોલમાં સદી ફટકારી. આઈપીએલના ઈતિહાસમાં આ ચોથી સૌથી ઝડપી સદી છે. હૈદરાબાદે માત્ર 68 બોલમાં 150 રનનો આંકડો પૂરો કર્યો હતો. બોલરોની ધોલાઈ કર્યા બાદ ટ્રેવિસ હેડ પેવેલિયન પરત ફર્યો હતો. હેડે 41 બોલમાં 102 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. તેને લોકી ફર્ગ્યુસને આઉટ કર્યો હતો. હૈદરાબાદે 13મી ઓવરમાં 165 રનમાં બીજી વિકેટ ગુમાવી હતી.
હેડે આઈપીએલની ચોથી ઝડપી સદી ફટકારી હતી
હેડે તેની IPL કારકિર્દીની ચોથી ઝડપી સદી ફટકારી છે. આ લીગમાં ક્રિસ ગેલ (30 બોલ), યુસુફ પઠાણ (37 બોલ) અને ડેવિડ મિલરે (38 બોલ) તેના કરતા ઝડપી સદી ફટકારી છે. તે SRH માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેના પહેલા, SRH માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે હતો (43 બોલમાં વિ. KKR, 2017).
આરસીબીએ ટોસ જીત્યો હતો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આરસીબીએ આ મેચ માટે ગ્લેન મેક્સવેલને આરામ આપ્યો છે, જ્યારે ઝડપી બોલર મોહમ્મદ સિરાજને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી. મેક્સવેલને છેલ્લી મેચમાં ઈજા થઈ હતી અને તે આ મેચમાં રમશે તે નિશ્ચિત માનવામાં આવતું ન હતું. લોકી ફર્ગ્યુસન આ મેચમાં RCB તરફથી મેદાનમાં ઉતર્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે આ મેચ માટે ટીમમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો.