IPL 2022: ભારતમાં કોરોનાના કેસ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022ની સિઝન યોજાવા જઇ રહી છે. સીસીઆઈએ કોરોના સંક્રમણનો સામનો કરવા અને ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે ઘણી યોજનાઓ બનાવી છે. સીઝન 26 માર્ચથી શરૂ થવાની છે. ફાઈનલ 29 મેના રોજ રમાશે.  


ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે. ગયા વર્ષે કોરોનાના કેસ નોંધાયા બાદ 4 મે, 2021 ના ​​રોજ આઇપીએલને સ્થગિત કરવામાં આવી હતી. તેનો બીજો હાફ યુએઈમાં થયો હતો. જો આ વખતે પણ આવા જ કેસ નોંધાશે તો શું પ્લાન હશે? ચાલો જાણીએ.


ટૂર્નામેન્ટનું ફોર્મેટ કેવું હશે


આ વખતે કુલ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ ટીમો એકબીજા સામે 14-14 મેચ રમશે. આ રીતે ગ્રુપ સ્ટેજમાં કુલ 70 મેચ રમાશે. આ પછી ફાઈનલ સહિત 4 પ્લેઓફ મેચો રમાશે. ગ્રુપ સ્ટેજની તમામ મેચો પુણેના એમસીએ સ્ટેડિયમ સિવાય મુંબઈના વાનખેડે, બ્રેબોર્ન અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમવાની છે.


ગ્રુપ A: મુંબઈ ઈન્ડિયન્સ (MI), કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), રાજસ્થાન રોયલ્સ (RR), દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)


ગ્રુપ B: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT)


જ્યારે કોઈ ખેલાડી અથવા સ્ટાફને કોરોનાનો ચેપ લાગે તો?


જો કોઈ એક ખેલાડી અથવા સ્ટાફ સંક્રમિત છે, તો તે કિસ્સામાં તે પોઝિટિવ વ્યક્તિને 7 દિવસ માટે આઈસોલેશનમાં મોકલવામાં આવશે. આ દરમિયાન, RT-PCR ટેસ્ટ છઠ્ઠા અને 7મા દિવસે કરવામાં આવશે. બંને ટેસ્ટમાં નેગેટિવ આવશે તો જ ટીમ સાથે બાયો-બબલમાં એન્ટ્રી આપવામાં આવશે. ફરીથી ટીમમાં સામેલ કરતા અગાઉ જોવામાં આવશે કે શું તેનામાં કોઈ લક્ષણો છે કે તેણે છેલ્લા 24 કલાકમાં કોઈ દવા લીધી છે કે નહીં.


જો કોરોનાના કેસ વધી જાય તો ?


કોઈપણ એક મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ઓછામાં ઓછા 7 ભારતીય અને વધુમાં વધુ 4 વિદેશી ખેલાડીઓ રમાડવાના હોય છે. અવેજી (ભારતીય) પણ છે. આ રીતે 12 ખેલાડીઓની ટીમ મેચની તૈયારી કરે છે. જો કોરોના ચેપને કારણે ટીમનું આ સંતુલન બગડે તો તે સ્થિતિમાં મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે.


જો કોઈ કારણોસર આ શક્ય ન બને તો આ સમગ્ર મામલો IPLની ટેકનિકલ કમિટીને મોકલવામાં આવશે. ત્યારબાદ સમિતિનો નિર્ણય માન્ય રહેશે. અગાઉ કોઈપણ મેચને ફરીથી શેડ્યૂલ કરવાની કોઈ પ્રક્રિયા નહોતી. ત્યારબાદ જો કોઈ ટીમ પ્લેઈંગ-11માં ઉતરી ન શકી તો વિરોધી ટીમને પોઈન્ટ આપવામાં આવતા હતા.


આ વખતે IPLમાં બીજું શું નવું હશે?


આ વખતે ટુર્નામેન્ટમાં દરેક ટીમને બંને દાવમાં 2-2 રિવ્યુ આપવામાં આવશે, જે અગાઉ સમાન હતા. બીજો ફેરફાર કેચ આઉટ થવા વિશે છે. આ વખતે ICCનો નવો નિયમ લાગુ કરવામાં આવશે. જો કોઈ ખેલાડી કેચ આઉટ થાય છે, તો નવો બેટ્સમેન સ્ટ્રાઈક પર આવશે (જો ઓવર ન થઈ હોય તો). બોલરનો આગામી બોલ નવો બેટ્સમેન રમશે.