Tilak Varma in IPL: IPL 2022ની શરૂઆત થઈ ચૂકી છે. આજે એટલે કે રવિવારે બે મેચો રમાશે. જેમા બપોરે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો એક બીજા સામે બે બે હાથ કરવા મેદાનમાં ઉતરી હતી. આજની મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ 19 વર્ષના ઓલ રાઉન્ડર તિલક વર્મા પર દાવ ખેલ્યો હતો.


તિલકે આ મેચ સાથે આઈપીએલમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. જો કે સૌને ચોંકાવતા રોહિત શર્માએ તિલકને ચોથા ક્રમે બેટિંગમાં મોકલ્યો હતો. જો કે તિલકે પણ રોહિતના વિશ્વાસને કાયમ રાખ્યો હતો અને 15 બોલમાં145.66 રનની સ્ટ્રાઈક રેટ સાથે 22 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 3 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.


તિલકનો પરિવાર ભાડાના મકાનમાં રહે છે


હૈદરાબાદના રહેવાસી તિલક વર્માનો પરિવાર એક ભાડાના મકાનમાં રહે છે અને તેમના પિતા નમ્બુરી નાગરાજ ઈલેક્ટ્રીશિયન છે. આ યુવા ક્રિકેટરનું બાળપમ બહુ મુશ્કેલીમાંથી પસાર થયું છે અને તેમની ક્રિકેટ કારકિર્દીમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા છે. તેમના પિતા તેમની જરૂપિયાની ચીજો નહોતા લાવતા પરંતુ પુત્ર માટે ક્રિકેટનો તમામ સામાન લાવતા હતા. તિલક વર્મા આઈપીએલની હરાજીમાં આવતા જ કરોડપતિ બની ગયો. મુંબઈ ઈન્ડિયન્સે તેમના પર મોટો દાવ રમ્યો હતો. મુંબઈએ તેમને 1.70 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કરોડપતિ બન્યા બાદ તિલકે કહ્યું કે તે તેમના માતાપિતા માટે હૈદરાબાદમાં સારુ મકાન ખરીદવા માગે છે.


2021-22 સીઝન તિલક માટે સારી રહી હતી


તમને જણાવી દઈએ કે તિલક વર્મા અંડર-19 વર્લ્ડ કપ 2020માં ભારતીય ટીમનો ભાગ હતો. ત્યારે તેમણે વર્લ્ડ કપમાં 6 મેચ રમી હતી, જેમા તેમણે 28.66ની એવરેજથી 86 રન બનાવ્યા હતા. ત્યાર બાદ 2018માં આંધ્ર પ્રદેશની સામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. જ્યારે તિલકને બીજા વર્ષે જ હૈદરાબાદ માટે લિસ્ટ એ અને ટી20 મેચ રમવાની તક મળી.


આ ઓલરાઉન્ડર માટે 2021-22ની સીઝન શાનદાર રહી હતી. આ સીઝનમાં તેમણે વિજય હજારે ટ્રોફીમાં 5 મેચ રમ્યા હતા, જેમા 180 રન બનાવ્યા હતા અને 4 વિકેટ પણ લીધી હતી. ત્યાર બાદ સૈયદ મુશ્તાક અલી ટી 20 ટૂર્નામેન્ટમાં તિલકે 7 મેચમાં 147ની સ્ટ્રાઈક રેટ સાથે 215 રન બનાવ્યા હતા. ત્યારથી જ તેમની કિસ્મત પલટી અને મુંબઈ ઈન્ડિયન્સે તેમને ખરીદી લીધો.