Indian Premier League 2023: ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ટીમો IPLની 16મી સીઝનની 6મી મેચમાં સામસામે છે. આ મેચમાં લખનઉની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં લખનઉની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં જયદેવ ઉનડકટની જગ્યાએ ફાસ્ટ બોલર યશ ઠાકુરને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો છે.






યશ ઠાકુરની વાત કરીએ તો આ 24 વર્ષીય યુવા ફાસ્ટ બોલરને ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી મિની-ઓક્શન દરમિયાન 45 લાખ રૂપિયામાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. યશ ઠાકુરે 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં હરાજીમાં પોતાને સામેલ કર્યો હતો.






ફાસ્ટ બોલર ભારતીય અંડર-19 ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે અને યશ ઠાકુર ગયા વર્ષે રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે સૌનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો, જેમાં તેણે કુલ 15 વિકેટો લીધી હતી. આ તે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં 5મા નંબરે હતો.


ડોમેસ્ટિક ક્રિકેટમાં વિદર્ભની ટીમ તરફથી રમતા યશ ઠાકુરે અત્યાર સુધી 13 ફર્સ્ટ ક્લાસ મેચમાં 37 વિકેટ ઝડપી છે જ્યારે યશે 28 લિસ્ટ A મેચમાં 44 વિકેટ ઝડપી છે. T20 ફોર્મેટમાં યશ અત્યાર સુધીમાં 37 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 14.40ની એવરેજથી 55 વિકેટ ઝડપી છે, આ દરમિયાન યશે 3 વખત એક મેચમાં 4 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે, આ સિવાય યશનો ઇકોનોમી રેટ 6.68 છે.


CSK vs LSG, Match Highlights: ચેન્નઇએ લખનઉ સુપરજાયન્ટ્સને 12 રનથી હરાવ્યું, મોઇન અલીની ચાર વિકેટ


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની છઠ્ઠી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું હતું. સોમવારે (3 એપ્રિલ) MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં CSKએ 20 ઓવરમાં સાત વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ સાત વિકેટે 205 રન જ બનાવી શકી હતી. CSKની જીતનો હીરો ઈંગ્લિશ ક્રિકેટર મોઈન અલી રહ્યો હતો જેણે ચાર વિકેટ ઝડપી હતી.


મોટા લક્ષ્યનો પીછો કરતા લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત ઘણી ધમાકેદાર રહી હતી. કાયલ મેયર્સ અને કેએલ રાહુલે મળીને 5.3 ઓવરમાં 79 રનની ભાગીદારી કરી હતી. મેયર્સે માત્ર 22 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. આ આઈપીએલમાં મેયર્સની આ સતત બીજી અડધી સદી હતી.


ઓફ સ્પિનર ​​મોઈન અલીએ મેયર્સને આઉટ કરીને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. અહીંથી CSKએ મેચમાં શાનદાર વાપસી કરી હતી. મિશેલ સેન્ટનરે સાતમી ઓવરના છેલ્લા બોલ પર દીપક હુડા (2)ની વિકેટ લીધી હતી. ત્યાર પછી મોઈન અલીએ તેની આગામી ઓવરમાં કેએલ રાહુલ (20)ને પેવેલિયન મોકલી દીધો હતો. મોઇન અલીએ કૃણાલ પંડ્યા (9)ને આઉટ કરીને તેની ત્રીજી વિકેટ લીધી હતી.


બાદમાં મોઈન અલીએ માર્કસ સ્ટોઈનિસને બોલ્ડ કરીને પોતાની ચોથી વિકેટ ઝડપી હતી. લખનઉનો સ્કોર પાંચ વિકેટે 130 રન હતો. અહીંથી નિકોલસ પૂરન કેટલાક જોરદાર હિટ ફટકારીને લખનઉની વાપસી કરાવી હતી. નિકોલસને ઈમ્પેક્ટ પ્લેયર તુષાર દેશપાંડેએ બેન સ્ટોક્સના હાથે કેચ કરાવ્યો હતો. પૂરને ત્રણ છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી કુલ 32 રન બનાવ્યા હતા.