ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની છઠ્ઠી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું હતું. સોમવારે (3 એપ્રિલ) MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં CSKએ 20 ઓવરમાં સાત વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ સાત વિકેટે 205 રન જ બનાવી શકી હતી. CSKની જીતનો હીરો ઈંગ્લિશ ક્રિકેટર મોઈન અલી રહ્યો હતો જેણે ચાર વિકેટ ઝડપી હતી.


મોટા લક્ષ્યનો પીછો કરતા લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત ઘણી ધમાકેદાર રહી હતી. કાયલ મેયર્સ અને કેએલ રાહુલે મળીને 5.3 ઓવરમાં 79 રનની ભાગીદારી કરી હતી. મેયર્સે માત્ર 22 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. આ આઈપીએલમાં મેયર્સની આ સતત બીજી અડધી સદી હતી.


ઓફ સ્પિનર ​​મોઈન અલીએ મેયર્સને આઉટ કરીને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. અહીંથી CSKએ મેચમાં શાનદાર વાપસી કરી હતી. મિશેલ સેન્ટનરે સાતમી ઓવરના છેલ્લા બોલ પર દીપક હુડા (2)ની વિકેટ લીધી હતી. ત્યાર પછી મોઈન અલીએ તેની આગામી ઓવરમાં કેએલ રાહુલ (20)ને પેવેલિયન મોકલી દીધો હતો. મોઇન અલીએ કૃણાલ પંડ્યા (9)ને આઉટ કરીને તેની ત્રીજી વિકેટ લીધી હતી.


બાદમાં મોઈન અલીએ માર્કસ સ્ટોઈનિસને બોલ્ડ કરીને પોતાની ચોથી વિકેટ ઝડપી હતી. લખનઉનો સ્કોર પાંચ વિકેટે 130 રન હતો. અહીંથી નિકોલસ પૂરન કેટલાક જોરદાર હિટ ફટકારીને લખનઉની વાપસી કરાવી હતી. નિકોલસને ઈમ્પેક્ટ પ્લેયર તુષાર દેશપાંડેએ બેન સ્ટોક્સના હાથે કેચ કરાવ્યો હતો. પૂરને ત્રણ છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી કુલ 32 રન બનાવ્યા હતા.


કોનવે-ઋતુરાજે સદીની ભાગીદારી કરી હતી


ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત ખૂબ જ તોફાની રહી હતી. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ પ્રથમ છ ઓવરમાં કોઈપણ નુકસાન વિના 79 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ સામેની પ્રથમ મેચમાં 92 રન બનાવનાર ગાયકવાડે તે લય જાળવી રાખી હતી, જ્યારે કિવી ખેલાડી કોનવેએ તેને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. ફાસ્ટ બોલર અવેશ ખાને બીજી ઓવરના પહેલા ચાર બોલમાં 16 રન આપ્યા હતા. ત્યારબાદ ગાયકવાડે પાંચમી ઓવરમાં કૃષ્ણપ્પા ગૌતમને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ચેન્નઈના 100 રન આઠમી ઓવરમાં જ બની ગયા હતા.


ઇનિંગની દસમી ઓવરના પ્રથમ બોલ પર રવિ બિશ્નોઈએ ઋતુરાજ ગાયકવાડને માર્ક વુડના હાથે કેચ આઉટ કરાવીને લખનઉને પ્રથમ સફળતા અપાવી હતી. ઋતુરાજ ગાયકવાડે 31 બોલમાં 57 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. ઋતુરાજ અને ડેવોન કોનવેએ 110 રનની ભાગીદારી કરી હતી.માર્ક વૂડે આગામી ઓવરમાં ડેવોન કોનવેને પોતાનો શિકાર બનાવ્યો હતો. કોનવેએ 29 બોલમાં 47 રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.


આ પછી શિવમ દુબેની તોફાની ઇનિંગની મદદથી CSKએ 14મી ઓવરમાં જ 150 રનનો આંકડો સ્પર્શી લીધો હતો. શિવમ દુબેએ ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 27 રનની ઇનિંગ રમી હતી. રવિ બિશ્નોઈએ શિવમ દુબેને માર્ક વુડના હાથે કેચ કરાવ્યો હતો. શિવમ દુબે બાદ CSKએ પણ મોઈન અલી (19) અને બેન સ્ટોક્સ (8)ની વિકેટ ગુમાવી હતી.


બીજી તરફ, અંબાતી રાયડુ (અણનમ 27) એ કેટલીક સિક્સ ફટકારીને CSKનો સ્કોર 200 ને પાર પહોંચાડ્યો હતો. જોકે રવિન્દ્ર જાડેજા ત્રણ રન બનાવીને માર્ક વુડનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા આવ્યો અને તેણે ચેન્નઈના ગઢ ચેપોકમાં સતત બે છગ્ગા ફટકારીને દર્શકોને રોમાંચિત કર્યા હતા. બાદમાં ધોની 12 રન બનાવીને આઉટ થયો હતો. લખનઉ તરફથી માર્ક વૂડ અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી હતી.