નવી દિલ્હી: ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફરા આર્ચર ઇજાના કારણે શ્રીલંકાના પ્રવાસ અને IPL- 2020માંથી બહાર થઇ ગયો છે. જોફરા આર્ચરને ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન કોણીમાં ઇજા થઇ હતી. ત્યારબાદ તે શ્રેણીની બાકી ત્રણેય ટેસ્ટ મેચમાં રમ્યો નહોતો. મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેને કોણીમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે અને આશરે 3 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે. ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફરા આર્ચર આઈપીએલમાં રાજસ્થાન તરફથી રમે છે.

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કહ્યું કે, તે હવે રિહેબિલેશન પ્રોગ્રામની શરૂઆત કરશે અને જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રણ ટેસ્ટની સીરિઝથી કમબેક કરશે. ઇંગ્લેન્ડ માર્ચમાં શ્રીલંકામાં બે ટેસ્ટ ટેસ્ટ રમવાનું છે.


આર્ચર IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. આર્ચરે ગત સીઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે 6.76ની ઈકોનોમીથી રન આપતા 11 વિકેટ ઝડપી હતી. આર્ચરે ઇંગ્લેન્ડ માટે 7 ટેસ્ટ અને 14 વનડે રમ્યો છે. તેણે ટેસ્ટમાં 30 અને વનડેમાં 23 વિકેટ લીધી છે. તેણે IPLની 21 મેચમાં 23.69ની એવરેજથી 26 વિકેટ ઝડપી છે.